મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા અને ભારત રત્ન સમ્માનિત લતા મંગેશકરે દંતકથા સમાન દિવંગત પાર્શ્વગાયક કિશોર કુમારને એમની 91મી જન્મજયંતીએ યાદ કર્યાં છે અને સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
લતાજીએ એમનાં વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છેઃ ‘નમસ્કાર. આજે આપણા કિશોરદાની જયંતી છે. કિશોરદા એક મોજીલા માનવી હતા. આખો દિવસ બધાયને હસાવવા એ એમનું ગમતીલું કામ હતું. હું તો એમને મળ્યા પછી એક ક્ષણ પણ હસ્યા વગર રહી શકતી નહોતી. એ બધું હોવા છતાં એ પોતાનાં કામમાં 100 ટકા ચોક્કસ રહેતા હતા.’
આ ટ્વીટની સાથે લતાજીએ એક વિડિયો લિન્ક પણ પોસ્ટ કરી છે જે 1974ની હિન્દી ફિલ્મ આપ કી કસમના ખૂબ લોકપ્રિય બનેલા ગીત જય જય શિવશંકરની છે, જેમાં રાજેશ ખન્ના અને મુમતાઝની જોડી હતી. લતા અને કિશોર કુમારે આવા અનેક યુગલ ગીતોની ભેટ શ્રોતાઓ અને ફિલ્મરસિયાઓને આપી છે.
અમુક અન્ય ગીતો છેઃ ‘તેરે બિના ઝિંદગી સે કોઈ’, ‘ગાતા રહે મેરા દિલ’, ‘ભીગી ભીગી રાતોં મેં’, ‘દેખા એક ખ્વાબ તો’, ‘તેરે મેરે મિલન કી યે રૈના’, ‘તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ’, ‘ઈસ મોડ પે જાતે હૈં’ વગેરે.
કિશોર કુમારનો જન્મ 4 ઓગસ્ટ, 1929ના રોજ મધ્ય પ્રદેશના ખંડવામાં થયો હતો. 1987ની 13 ઓક્ટોબરે એમનું મુંબઈમાં નિધન થયું હતું.