વિકી સાથે લગ્નની અફવાઃ કેટરીનાએ મૌન તોડ્યું

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેતા વિકી કૌશલની સગાઈ થઈ ગઈ છે અને આવતા ડિસેમ્બરમાં બંને જણ લગ્ન કરવાનાં છે એવી અફવાઓને ખુદ કેટરીનાએ રદિયો આપ્યો છે. કેટરીનાએ બોલીવુડલાઈફ.કોમ વેબસાઈટ સાથેની વાતચીતમાં વિકી કૌશલ સાથેનાં તેનાં ચર્ચિત લગ્નનાં સમાચારને રદિયો આપ્યો હતો. એણે કહ્યું, હું અને વિકી આ વર્ષે લગ્ન કરવાનાં છીએ એવા સમાચારો ખોટા છે.’ ‘આવી અફવાઓ ફેલાવા પાછળનું કારણ શું?’ એવા સવાલના જવાબમાં કેટરીનાએ કહ્યું, ‘આ સવાલ હું છેલ્લા 15 વર્ષથી પૂછી રહી છું.’

છેલ્લા અમુક દિવસોથી એવા મિડિયા અહેવાલો વાંચવા મળ્યા છે કે કેટરીના અને વિકી એકબીજાંને ડેટિંગ કરે છે. બંનેએ સગાઈ કરી લીધી છે અને હવે ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છે. આ અહેવાલો અને રિલેશનશિપ વિશે કેટરીના કે વિકી, બંનેએ જાહેરમાં કંઈ જ કહ્યું નથી. પરંતુ કેટરીનાએ આ પહેલી જ વાર મૌન તોડીને અફવાઓનો અંત લાવી દીધો છે.