‘ફાળકે એવોર્ડ’વિજેતા રજનીકાંત ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ

ચેન્નાઈઃ દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. અહેવાલો અનુસાર, રજનીકાંત રૂટિન મેડિકલ ચેક-અપ માટે હોસ્પિટલમાં ગયા હતા. એમને ત્યાં એક દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. રજનીકાંતને બ્લડ-પ્રેશરની તકલીફને કારણે ગયા વર્ષના ડિસેમ્બરમાં ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એમની કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ ચૂકી છે.

70 વર્ષીય રજનીકાંત પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ સ્વીકારવા આ જ અઠવાડિયે નવી દિલ્હી ગયા હતા. ભારતીય સિનેમાને 45 વર્ષ સુધી યોગદાન આપવા બદલ એમને ભારત સરકાર તરફથી આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ગયા બુધવારે એમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એમની મુલાકાતની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી હતી. રજનીકાંતની 168મી તામિલ ફિલ્મ ‘અન્નાત્થે’ આવતી 4 નવેમ્બરે દિવાળીમાં રિલીઝ થવાની છે. ગયા બુધવારે ચેન્નાઈમાં એક ખાનગી સ્ટુડિયોમાં ‘અન્નાત્થે’ ફિલ્મનો વિશેષ શો રાખવામાં આવ્યો હતો. એ વખતે રજનીકાંત અને એમના પરિવારજનો હાજર રહ્યાં હતાં.