કંગના રણોતની ‘ઈમર્જન્સી’ ફિલ્મની રિલીઝ આવતા વર્ષ સુધી મુલતવી

મુંબઈઃ અભિનેત્રી કંગના રણોતને ભૂતપૂર્વ વડાંપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં દર્શાવતી રાજકીય વિષય પર આધારિત ફિલ્મ ‘ઈમર્જન્સી’ની રિલીઝ તારીખને આવતા વર્ષ સુધી મુલતવી રાખી દેવામાં આવી છે. સ્વયં કંગનાએ જ આની જાહેરાત આજે બપોરે એનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી છે. તેણે રિલીઝને વિલંબિત કરવા પાછળનું કારણ શેર કર્યું છે અને પ્રશંસકોને વિનંતી કરી છે કે તેઓ આ વિલંબની તકલીફમાં પોતાની ટીમનાં સભ્યો સાથે સહભાગી થાય.

કંગનાએ વધુમાં લખ્યું છે કે, ‘આ ફિલ્મમાં મેં એક અભિનેત્રી તરીકે મારી જિંદગીની તમામ કમાણી દાવ પર લગાવી દીધી છે. ‘ઈમર્જન્સી’ મારે મન માત્ર એક ફિલ્મ નથી. એક વ્યક્તિ તરીકે પાત્ર ભજવણીમાં મારી અભિનયશક્તિની કસોટી છે. અમે આ ફિલ્મને 2023ની 24 નવેમ્બરે રિલીઝ કરવાની અગાઉ જાહેરાત કરીહતી, પરંતુ આ વર્ષમાં મારી બે ફિલ્મને ઉપરાછાપરી રિલીઝ કરવાની આવી હોવાથી અમે ઈમર્જન્સીની રિલીઝને આવતા વર્ષ પર શિફ્ટ કરી દીધી છે.’

ઉલ્લેખનીય છે કે કંગના હાલમાં જ તામિલ ફિલ્મ ‘ચંદ્રમુખી 2’માં જોવા મળી હતી અને તેની હિન્દી ફિલ્મ ‘તેજસ’ આ મહિનાના અંતભાગમાં રિલીઝ થવાની છે. ચાર વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર કંગનાએ કહ્યું છે કે, ‘‘ઈમર્જન્સી’ ફિલ્મની રિલીઝની નવી તારીખની હું ટૂંક સમયમાં જાહેરાત કરીશ, પ્રશંસકો ધીરજ જાળવી રાખે. આ ફિલ્મ માટે એમની ઉત્કંઠા, અપેક્ષા અને રોમાંચથી હું વાકેફ છું.’

‘ઈમર્જન્સી’ ફિલ્મ 1975માં તે વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશભરમાં લાગુ કરેલી કટોકટીને કારણે ઊભી થયેલી રાજકીય અંધાધૂંધી પર આધારિત છે. કંગનાએ આ ફિલ્મનું દિગ્દર્શન પણ સંભાળ્યું છે અને ઈન્દિરા ગાંધીની મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલવડે, મહિમા ચૌધરી, મિલિંદ સોમણ અને અશોક છાબરા જેવા અન્ય કલાકારો છે. સ્વ. સતિષ કૌશિકની જિંદગીની આ આખરી ફિલ્મ હોય એવી ધારણા છે.