મુંબઈઃ બોલીવુડની ‘ધાકડ’ અભિનેત્રી કંગના રણોતે ટોચના અભિનેતા આમિર ખાનની સોશ્યલ મીડિયા મારફત ઝાટકણી કાઢી છે. એણે કહ્યું છે કે આમિર પોતે જ એની આગામી હિન્દી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ વિશે નકારાત્મક્તા ફેલાવી રહ્યો છે. આ ફિલ્મ વિશે જે કંઈ નકારાત્મક્તા છે તે આમિરના જ ભેજાની પેદાશ છે.
કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોર પર લખ્યું છેઃ ‘મારું માનવું છે કે આગામી રિલીઝ ‘લાલસિંહ ચઢ્ઢા’ની આસપાસ જે કંઈ નકારાત્મક્તા ફેલાઈ છે એનો ‘માસ્ટરમાઈન્ડ’ આમિર ખાનજીએ પોતે જ કુશળતાપૂર્વક પ્રબંધ કર્યો છે. આ વર્ષે એક કોમેડી સીક્વલને બાદ કરતાં એકેય હિન્દી ફિલ્મ ચાલી નથી. માત્ર દક્ષિણની એવી ફિલ્મો ચાલી છે જેમાં ભારતીય સંસ્કૃતિનાં દર્શન કરાવવામાં આવ્યા છે કે સ્થાનિકપણું દર્શાવવામાં આવ્યું છે. એવામાં કોઈ હોલીવુડ રીમેક સફળ થાય એમ જ નહોતી. પરંતુ હવે એ લોકો કહેશે કે ભારત અસહિષ્ણુ છે. વાસ્તવમાં, હિન્દી ફિલ્મો એવી હોવી જોઈએ જે દર્શકોની નાડ પારખી શકે. આમાં હિન્દુ કે મુસ્લિમ જેવું કંઈ હોતું નથી. આમિર ખાન ભારતને અસહિષ્ણુ દેશ કહે છે, પણ એણે જ હિન્દુ પ્રતિ અણગમો દર્શાવતી ‘પીકે’ ફિલ્મ બનાવી હતી જે એની કારકિર્દીની સૌથી મોટી સફળ ફિલ્મ હતી… એટલે મહેરબાની કરીને આને ધર્મ કે વિચારધારા સાથે સાંકળવાનું બંધ કરો. મૂળ કારણ ખરાબ એક્ટિંગ અને ખરાબ ફિલ્મોનું હોય છે.’
ઉલ્લેખનીય છે કે, ‘ભારતમાં અસહિષ્ણુતા’વાળી આમિરે કરેલી કમેન્ટને કારણે એની ‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મનો બહિષ્કાર કરવાની ઈન્ટરનેટ પર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.