‘હર ઘર તિરંગા’ ગીતમાં વિવિધ સેલિબ્રિટીઝનો નોખો અંદાજ

મુંબઈઃ આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવાની ઉજવણી માટે ભારત જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર સ્વતંત્ર્યતાને આઝાદીના અમૃત મહોત્સવરૂપે ઉજવણી કરવાની છે, ત્યારે સાંસ્કૃતિક મંત્રાલયે હર ઘર તિરંગાના ગીતનો વિડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં બોલીવૂડથી માંડીને ટોલીવૂડ સ્ટાર્સ અને વિવિધ ગેમ્સથી જોડાયેલા ખેલાડીઓ નજરે ચઢશે. એ વિડિયોમાં અમિતાભ બચ્ચન, વિરાટ કોહલીથી માંડીને પ્રભાસ, અનુપમ ખેર, આશા ભોસલે, કપિલ દેવ, નીરજ ચોપડા સહિત અનેક સેલેબ્સ નજરે પડી રહ્યા છે. સાંસ્કૃતિક મંત્રાલયે વિડિયો શેર કરીને લખ્યું છે કે હર ઘર તિરંગા…ઘર-ઘર તિરંગા. અમારો ધ્વજ, આપણા ગૌરવ અને એકતાના પ્રતીકને ઉજવણીરૂપે મનાવો, કેમ કે દેશને આઝાદીના 75 વર્ષ પૂરાં કર્યાં છે. #HarGharTiranga #AmritMahotsav.

હર ઘર તિરંગાના ગીતનો વિડિયો સ્પોર્ટ્સ, મિસાઇલ લોન્ચ અને સેનાથી માંડીને દેશની કુદરતી સુંદરતા સુધી રાષ્ટ્રીયતા અને વિવિધતામાં સાચી ભાવના પ્રદર્શિત કરે છે. આ ગીતનો એક હિસ્સો દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને ગાયો છે. અન્ય મશહૂર હસ્તીઓ-અનુષ્કા શર્મા, જેકી શ્રોફ, વિરાટ કોહલી અને દક્ષિણનો સ્ટાર પ્રભાષ પણ આ વિડિયોનો એક હિસ્સો છે.

આ વિડિયોમાં છેલ્લે વડા પ્રધાન મોદી નજરે ચઢશે. હર ઘર તિરંગા આઝાદીના અમૃત મહોત્સવ ઝુંબેશ હેઠળ લોકોને ઘરે ધ્વજ ફરકાવવાની અને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે કે તેઓ ઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે અને સોશિયલ મિડિયા એકાઉન્ટ પર ધ્વજ ડિસ્પ્લે કરીને 15 ઓગસ્ટે ભારતની 75મી સ્વતંત્રતાની વર્ષગાંઠે હર ઘર તિરંગા ઝુંબેશને એક જન આંદોલનમાં બદલી નાખે. તેમણે કહ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 13થી 15 ઓગસ્ટ સુધી એક ખાસ આંદોલન હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.