કાજોલે બંગલાની પાસે બે નવા ફ્લેટ ખરીદ્યા, જાણો…

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કાજોલ એક્ટિંગની સાથે-સાથે બાકીની કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખે છે. તે પ્રોપર્ટીમાં મૂડીરોકાણ કરતી રહે છે. હવે કાજોલે જુહુમાં એ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. કાજોલે જુહુના અનન્યા બિલ્ડિંગમાં 10મા માળે બે ફ્લેટ ખરીદ્યા છે. આ બંને એપાર્ટમેન્ટની કિંમત રૂ. 11.95 કરોડ છે. કાજોલના આ નવા એપાર્ટમેન્ટ એ જ એરિયામાં છે, જ્યાં તેનો બંગલો શિવશક્તિ છે, એમ સ્કવેરફીટઇન્ડિયાનો અહેવાલ કહે છે.

કાજોલના બંને ફ્લેટનો કાર્પેટ એરિયા આશરે 2000 સ્કવેર ફૂટ છે. આ ફ્લેટના ટ્રાન્ઝેક્શન પણ આ વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવ્યા હતા. આ મિલકત પર કાજોલના હસ્તાક્ષર છે.

કાજોલ અને અજય દેવગન પ્રોપર્ટીમાં મૂડીરોકાણ કરતા રહે છે. તેમણે ગયા વર્ષે જુહુમાં એક આલીશાન બંગલો ખરીદ્યો હતો. આ બંગલાની કિંમત આશરે રૂ. 60 કરોડ હતી. તેમનો આ બંગલો પણ તેમના શિવશક્તિ બંગલાની પાસે છે. આ બંગલો 5310 સ્કવેરફૂટમાં બનેલો છે. કાજોલના નવા બંગલાની નજીક  અક્ષયકુમાર, અમિતાભ બચ્ચન અને ઋત્વિક રોશન રહે છે.

બોલીવૂડની વાત કરીઓ તો કાજોલ છેલ્લે ‘ત્રિભંગા’ ફિલ્મમાં દેખા દીધી હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી, એમાં કાજોલની સાથે મિથિલા પાલકર અને તન્વી આઝમી લીડ ભૂમિકામાં હતી. આ ફિલ્મને રેણુકા શહાણેએ ડિરેક્ટ કરી હતી. હાલમાં કાજોલ કોરોના સંક્રમિત થઈ હતી. કોરોનાથી સ્વસ્થ થયા પછી તેણે આવનારી ફિલ્મ ‘સલામ વૈંકી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે.