શાહરૂખના ધર્મનો આદર કરું છું, પણ ધર્મપરિવર્તન નહીં કરું: ગૌરી ખાન

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરીને સૌથી મોટી સુપરસ્ટાર પત્ની તરીકે ઓળખવામાં આવે છે. એ શાહરૂખ સાથે અને જાહેરખબરોમાં ચમક્યાં છે, અનેક કાર્યક્રમોમાં સાથે હાજરી આપી ચૂક્યાં છે અને ઘણા ઈન્ટરવ્યૂ આપી ચૂક્યાં છે.

ગૌરી ખાન અને સુઝેન ખાન (બોલીવૂડ અભિનેતા હૃતિક રોશનની ભૂતપૂર્વ પત્ની)એ ‘કોફી વિથ કરન’ ટીવી શો પર હાજરી આપી હતી અને એમાં તેમણે પોતાનાં અને એમનાં પતિનાં ધર્મ વિશે વાત કરી હતી.

ગૌરી હિન્દુ છે અને મુસ્લિમ પરિવારના શાહરૂખને પરણ્યાં છે. ‘બંને ધર્મમાં તમને શું ફરક લાગ્યો છે?’ એવા સવાલના જવાબમાં ગૌરીએ કહ્યું હતું, કમનસીબે, શાહરૂખના માતા-પિતા રહ્યા નથી. જો તેઓ હયાત હોત તો ઘરમાં ઘરડાઓ હોત અને અમે એમની કાળજી લેતા હોત. અત્યારે અમારા ઘરમાં હું જ તહેવારો વખતે બધું આયોજન કરું છું, પછી એ હોળી હોય, દિવાળી હોય કે અન્ય કોઈ પણ તહેવાર હોય. એટલે મારાં સંતાનો પર હું હિન્દુ હોવાને કારણે હિન્દુ ધર્મનો પ્રભાવ રહેશે… પરંતુ સાવ એવુંય નથી, આર્યનને પિતા પ્રત્યે ઘણી લાગણી છે એટલે તે એમના ધર્મનું અનુસરણ કરશે, એવું મને લાગે છે. એ અવારનવાર કહેતો હોય છે, ‘હું મુસ્લિમ છું.’

ગૌરીએ વધુમાં કહ્યું, અમારે ત્યાં સંતુલન છે. હું શાહરૂખના ધર્મનો આદર કરું છું, પણ એનો મતલબ એ નહીં કે હું ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની જઈશ. હું એમાં માનતી નથી. મારું માનવું છે કે દરેક વ્યક્તિએ પોતપોતાના ધર્મનું અનુસરણ કરવું જોઈએ, સાથોસાથ અન્ય ધર્મનો અનાદર પણ કરવો ન જોઈએ. જેમ કે હું પણ શાહરૂખના ધર્મનો અનાદર કરતી નથી.

સુઝેન ખાને શું કહ્યું?

જૂની ફિલ્મનોના અભિનેતા સંજય ખાનની પુત્રી સુઝેન ખાન મુસ્લિમ છે તથા અન્ય બોલીવૂડ અભિનેતા હૃતિક રોશન, જે પંજાબી હિન્દુ પરિવારનો છે, એને પરણી હતી, પણ બંને જણે છૂટાછેડા લઈ લીધા છે. બંનેને બે પુત્ર છે. સુઝેનને પણ કોફી વિથ કરન શોમાં પતિ-પત્નીના અલગ અલગ ધર્મ વિશેનો સવાલ પૂછવામાં આવ્યો હતો.

સુઝેને કહ્યું હતું કે, તમે અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરી શકો છો, પરંતુ તમે જે ધર્મમાં જન્મ્યા હો, ઉછર્યા હો એનો આદર કરવો જોઈએ. તમારે તમારા સંતાનોને બંને ધર્મના સદ્દગુણો વિશે શ્રેષ્ઠ રીતે માહિતગાર કરવા જોઈએ. એ બહુ સરસ કોમ્બિનેશન બની શકે. બંને ધર્મ સરસ છે અને પ્રબળ છે. હૃતિકને પણ આવું જ ગમે છે. ધર્મની વાત આવે ત્યારે એ બહુ ચુસ્તપણું રાખતો નથી.