નવી દિલ્હીઃ કાશ્મીર ખીણમાં થયેલી હિંસા પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ પર રાજકીય પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોને હાંકી કાઢવામાં આવ્યા હતા, જેના પર ફિલ્મને તો પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે, પણ વૈશ્વિક સ્તરે પણ પંડિતોને ખીણમાં સુરક્ષિત પુર્નવાસની માગ વધુ મજબૂત થઈ હતી.
ગ્લોબલ કાશ્મીરી પંડિત ડાયાસ્પોરાના સુરીન્દર કૌલે પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બનાવવામાં ચાર વર્ષનો સમયગાળો લાગ્યો હતો અને વિશ્વભરમાં વસેલા કાશ્મીરી પંડિતો એ હિંસાના પુરાવા છે. અમે છેલ્લાં 10 વર્ષોથી પ્રયાસ કરી રહ્યા હતા કે ફિલ્મનિર્માતાઓ અમારી વેદનાને મોટા પડદે દર્શાવે. જોકે અમારાં દર્દને બહાર આવતા રોકવા માટે અનેક જણ સક્રિય રીતે કામ કરી રહ્યા હતા. 2018મા જ્યારે વિવેક અગ્નિહોત્રી હ્યુસ્ટન આવ્યા, ત્યારે અમે તેમને મળ્યા હતા અને બે મહિના પછી તેઓ ફિલ્મ બનાવવા માટે તૈયાર થયા હતા. અમે તેમની સાથે વાતચીત અને સંશોધન કરી આપ્યું હતું, પણ ફંડિંગ નહોતું કર્યું. અમને કોઈ રાજકીય પક્ષો સાથે સંબંધ નથી, એમ તેમણે જણાવ્યું હતું.
કાશ્મીરમાં આંતકવાદની કેવી પ્રતિકૂળ અસર થઈ છે, એને ઉજાગર કરવા માટે કાશ્મીરી પંડિતોનું જૂથ વિવિધ દેશોમાં સક્રિય કામ કરી છે. આ સાથે હિંસા સામે લડવા કાશ્મીરી પંડિતોને શાંતિ પુરસ્કાર આપવા માટે પ્રવાસી સમિતિ નોબેલ કમિટીને પત્ર લખશે. કાશ્મીરી પંડિતોના અન્ય એક પ્રતિનિધિ ઉત્પલ કૌલે કહ્યું હતું કે સમાજે ઘરો અને મિલકતો ગુમાવી છે અને એ પરત મેળવી આપવા માગ કરી હતી. ભાજપે કાશ્મીરી પંડિતોની દુર્દશા માટે કોંગ્રેસને દોષી ઠેરાવ્યા હતા, જ્યારે કોંગ્રેસે ભાજપ પર આ મુદ્દે ભગવા રંગ આપવાનો આરોપ મૂક્યો હતો.