‘’ડર’નો રોલ પહેલા આમિરને, પછી અજયને, છેવટે શાહરૂખને ઓફર કરાયો હતો’

મુંબઈઃ બોક્સ ઓફિસ પર સુપરહિટ થયેલી ‘ડર’ ફિલ્મે 30 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે ફિલ્મની અભિનેત્રી જુહી ચાવલાએ કેટલીક રસપ્રદ વાતો કરી છે. એનું કહેવું છે કે, ‘ડર’ ફિલ્મ એની કારકિર્દીમાં પોતાની સૌથી મહત્ત્વની ફિલ્મ રહી છે.

‘યશ ચોપરા સાથે મારી એ બીજી ફિલ્મ હતી. પહેલી હતી ‘ચાંદની’. એમાં જોકે મારો રોલ નાનો હતો, પણ ‘ડર’માં એમણે મને સંપૂર્ણ રોલ ઓફર કર્યો હતો. યશ ચોપરા સાથે કામ કરવાની મારી પહેલેથી જ બહુ ઈચ્છા હતી. એટલે એમની ફિલ્મમાં હિરોઈન બનવાની ઓફર મળતાં હું ખુશખુશાલ થઈ ગઈ હતી,’ એમ જુહીએ કહ્યું.

‘’ડર’માં શાહરૂખ ખાન એન્ટી-હિરો ભૂમિકા કરશે એ જાણીને હું રોમાંચિત થઈ ગઈ હતી. મને એવું સાંભળવા મળ્યું હતું કે શાહરૂખવાળી ભૂમિકા માટે યશજી આમિર ખાનને પસંદ કરવાના હતા. હું બહુ ખુશ થઈ ગઈ હતી. મેં મારી પ્રારંભિક ફિલ્મો આમિર સાથે જ કરી હતી. પછી મને એવું સાંભળવામાં આવ્યું હતું કે આમિર એ રોલ નથી કરવાનો અને પછી અજય દેવગનનું નામ સંભળાયું હતું. આખરે એ રોલ શાહરૂખ ખાનને મળ્યો હતો. શાહરૂખ સાથે મેં એ પહેલાં ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ ફિલ્મ કરી હતી. એટલે એ અનુભવના આધારે મને નિરાંત હતી,’ એમ જુહી ચાવલાએ વધુમાં કહ્યું.