નવી દિલ્હી – સંજય લીલા ભણસાલીની ઐતિહાસિક વિષયની પણ વિવાદાસ્પદ બનેલી ‘પદ્માવતી’ ફિલ્મની રિલીઝ પ્રતિબંધ મૂકવાની અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે.
આ ફિલ્મમાં દીપિકા પદુકોણ રાજપૂત રાણી પદ્માવતીનો રોલ કરી રહી છે.
આ ફિલ્મ આવતી ૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
સુપ્રીમ કોર્ટે એમ કહીને ‘પદ્માવતી’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી છે કે સેન્સર બોર્ડ (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) કોઈ પણ ફિલ્મને સર્ટિફિકેટ આપતા પહેલા તમામ બાબતો પર વિચારણા કરતું હોય છે.
દેશના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા તથા ન્યાયમૂર્તિઓ એ.એમ. ખાનવિલકર અને ડી.વાય. ચંદ્રચુડની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે સેન્સર બોર્ડને પર્યાપ્ત માર્ગદર્શિકાઓ આપવામાં આવી છે જેનું તેણે કોઈ પણ ફિલ્મને રિલીઝ કરવા દેતા પહેલા એને સર્ટિફિકેટ આપવાની બાબતમાં અનુસરણ કરવાનું રહેતું હોય છે.
અરજદારોનું કહેવું હતું કે જ્યાં સુધી ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક ફિલ્મમાંની કથિત ઐતિહાસિક ત્રુટિઓ દૂર ન કરે ત્યાં સુધી ફિલ્મને રિલીઝ થવા દેવી ન જોઈએ.