‘ગૂજરી જાઉં એ પહેલાં પાકિસ્તાન જોવાની ઈચ્છા છે’: રીશી કપૂર

મુંબઈ – પીઢ બોલીવૂડ અભિનેતા રીશી કપૂરનું કહેવું છે કે પોતે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડો. ફારુક અબ્દુલ્લાના એ કથન સાથે સહમત છે કે પાકિસ્તાને કબજામાં લીધેલું કશ્મીર (PoK) પાકિસ્તાનનું છે અને ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે ગમે તેટલી લડાઈ લડે તોય આ બાબતમાં કોઈ ફેરફાર થવાનો નથી.

ઉલ્લેખનીય છે કે ફારુક અબ્દુલ્લાએ શનિવારે એમ કહ્યું હતું કે કશ્મીર આઝાદ થાય એ વાતો નકામી છે, કારણ કે કશ્મીર ખીણપ્રદેશ અણુબોમ્બથી સજ્જ ત્રણ દેશથી ઘેરાયેલો છે – ચીન, પાકિસ્તાન અને ભારત.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ આઝાદ કશ્મીરના વિચારને ફગાવી દીધાના એક દિવસ બાદ ડો. ફારુક અબ્દુલ્લાએ નિવેદન કર્યું છે.

રીશી કપૂરે એમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, ફારુક અબ્દુલ્લાજી સલામ. સાહેબ, હું તમારી સાથે સંપૂર્ણપણે સહમત થાઉં છું. જમ્મુ અને કશ્મીર આપણું છે અને PoK એ લોકોનું છે. આપણે આપણી સમસ્યાનો ઉકેલ આ એક જ રીતે લાવી શકીએ એમ છીએ.

રીશીએ વધુમાં લખ્યું છે કે, ‘આ હકીકતનો સ્વીકાર કરી લો. હું અત્યારે ૬૫ વર્ષનો થયો છું અને મારી ઈચ્છા છે કે હું ગૂજરી જાઉં એ પહેલાં પાકિસ્તાન જોઉં. મારાં સંતાનો એમના પારિવારિક મૂળ સ્થાનને જુએ એવી મારી ઈચ્છા છે. બસ કરવા દીજિયે. જય માતા દી.’

ઉલ્લેખનીય છે કે, કપૂર પરિવારનું પાકિસ્તાનના પેશાવરમાં એક ઘર છે. એ ઘર રીશી કપૂરના દાદા પૃથ્વીરાજ કપૂરના પિતા દીવાન બશેશ્વરનાથ કપૂરે ૧૯૧૮ અને ૧૯૨૨ની વચ્ચેના સમયગાળામાં બંધાવ્યું હતું. કપૂર ખાનદાનમાંથી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરનાર પૃથ્વીરાજ કપૂર પહેલા સભ્ય હતા.

૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારબાદ કપૂર પરિવાર પાકિસ્તાન છોડીને ભારત આવી ગયો હતો.

૧૯૯૧માં આવેલી હિન્દી ફિલ્મ ‘હીના’માં રીશી કપૂરે શ્રીનગરનિવાસી ચંદરનો રોલ કર્યો છે જે એની કારને અકસ્માત નડતાં બેભાનાવસ્થામાં પાકિસ્તાન તરફના કશ્મીરમાં પ્રવેશી જાય છે. અકસ્માતને કારણે એની યાદશક્તિ ગુમાય જાય છે. પાકિસ્તાનની પોલીસ રીશીને ભારતનો જાસૂસ હોવાની શંકા જાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]