મુંબઈની દેશી ટૂર પર આવી છે હોલીવૂડ એક્ટ્રેસ હેલ બેરી

મુંબઈ – ઓસ્કર એવોર્ડ વિજેતા હેલ બેરી હાલ ભારત આવી છે અને દેશના આર્થિક તથા ફિલ્મ પાટનગર કહેવાતા મુંબઈની શેરીઓમાં ફરવાનો આનંદ માણી રહી છે.

‘મોન્સ્ટર્સ બોલ’, ‘ડાઈ અનધર ડે’, ‘એક્સ-મેન’ જેવી ફિલ્મોમાં કરેલા અભિનય માટે જાણીતી હેલ બેરી એનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફત જાણકારી આપી છે કે પોતે ભારતમાં આવી છે.

આ અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં આકાશને આંબતી મુંબઈની બહુમાળી ઈમારતોની તસવીર સાથે લખ્યું છે, ‘મુંબઈમાં સૂર્યોદય નિહાળવાનો આનંદ માણી રહી છું.’

બીજી એક પોસ્ટમાં એણે લખ્યું કે, આજે તો હું બસ મુંબઈની શેરીઓમાં ખોવાઈ જવા જ નીકળી છું. એ તસવીરમાં બડે મિયા નામની એક જાણીતી રેસ્ટોરન્ટનું બેનર દેખાય છે.

હેલ બેરીએ પોતાની આ મુંબઈ-ભારત મુલાકાતની કોઈ આગોતરી જાણકારી આપી નહોતી કે પબ્લિસિટી કરી નથી. એની આ મુલાકાતનો હેતુ જાણવા મળ્યો નથી.

ગયા વર્ષે હોલીવૂડ અભિનેતાઓ – વિલ સ્મીથ અને બ્રાડ પીટ ભારત આવ્યા હતા અને એમણે પણ ફોટોગ્રાફરોને સરપ્રાઈઝ આપ્યું હતું.