ફિલ્મમાં પદ્માવતી, ખિલજી વચ્ચે કોઈ વાતચીત થતી બતાવાઈ નથીઃ ભણસાલી

મુંબઈ – પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘પદ્માવતી’માં રાણી પદ્માવતી અને રાજપૂતો પર આક્રમણ કરનાર મુગલ સુલ્તાન અલ્લાઉદ્દીન ખિલજી વચ્ચે કોઈ રોમેન્ટિક ડ્રીમ ગીત હોવાની અફવાઓ અને અહેવાલોને નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ આજે નકારી કાઢ્યા છે.

ભણસાલીએ કહ્યું છે કે દીપિકા પદુકોણ અને રણવીર સિંહ દ્વારા ભજવાયેલા એ પાત્રો વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત પણ બતાવવામાં આવી નથી.

રાણી પદ્માવતી અને ખિલજી વચ્ચે કોઈ વાતચીત થઈ ન હોવાનું જાહેર કરતા ભણસાલીને દર્શાવતી એક વિડિયો રેકોર્ડિંગ ક્લિપ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

ભણસાલીની નિકટના એક સૂત્રએ જણાવ્યું કે, અમે એ સ્પષ્ટપણે જણાવી દેવા માગીએ છીએ કે દીપિકા અને રણવીર વચ્ચે ફિલ્મમાં કોઈ ડ્રીમ ગીત નથી. પદ્માવતીમાં એ બંને પાત્રને સાથે બતાવતું કોઈ પણ દ્રશ્ય નથી. આ બંનેને સાથે દર્શાવતું કોઈ ગીત હોવાની અફવા કોણે શરૂ કરી એ સમજાતું નથી.

ફિલ્મફેરને આપેલી એક મુલાકાતમાં રણવીર સિંહે પણ કહ્યું હતું કે ‘પદ્માવતી’માં દીપિકાનાં પાત્ર સાથે એનો કોઈ સીન નથી.

રણવીરે કહ્યું હતું કે, માનસિક તાણભરી બનેલી આ ફિલ્મમાં કામ કરતી વખતે શું દીપિકા સાથે રહેવાથી તને રાહત મળી હતી ખરી? એવા સવાલના જવાબમાં રણવીરે કહ્યું હતું કે ફિલ્મમાં મારો એની સાથે એકેય સીન નથી.

પદ્માવતી ફિલ્મ આવતી ૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે, પણ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના અમુક રાજ્યોમાં આ ફિલ્મને રજૂ કરવા સામે વિરોધ થઈ રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]