કંગનાનો ‘પદ્મશ્રી’-એવોર્ડ પાછો લઈ લોઃ કોંગ્રેસની માગણી

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે 1947માં ભારતને મળેલી આઝાદીને ભીખ તરીકે ઓળખાવતાં વિવાદ થયો છે. કોંગ્રેસ પાર્ટીએ કંગનાની ઝાટકણી કાઢી છે અને એની આ કમેન્ટને દેશદ્રોહ તરીકે ગણાવી છે. સાથોસાથ, પાર્ટીએ એવી માગણી પણ કરી છે કે ભારત સરકારે કંગનાને હાલમાં જ આપેલો ‘પદ્મશ્રી’ એવોર્ડ પણ એની પાસેથી પાછો લઈ લેવો જોઈએ, કારણ કે કંગનાએ દેશની આઝાદીની ચળવળનું અપમાન કર્યું છે.

ઈન્ટરનેટ પર વાઈરલ થયેલી 24-સેકંડની એક વિડિયો ક્લિપમાં કંગનાએ એવું કહ્યું છે કે 1947માં ભારતને મળેલી આઝાદી એ આઝાદી નહોતી, પરંતુ ભીખ હતી. આપણે અસલી આઝાદી તો 2014માં મેળવી હતી. કંગનાએ આ કમેન્ટ એક ન્યૂઝ ચેનલે યોજેલા એક કાર્યક્રમમાં કરી હતી. એ વખતે શ્રોતાગણમાં બેઠેલા કેટલાક લોકો એની કમેન્ટ પર તાળી પાડતાં પણ સંભળાયા હતા. કોંગ્રેસના પ્રવક્તાઓએ કહ્યું છે કે કંગનાની આ કમેન્ટ મહાત્મા ગાંધી, નેહરુ, સરદાર પટેલ, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ તથા બીજા અનેક સ્વાતંત્ર્યસેનાનીઓના અપમાન સમાન છે, જેમણે દેશને બ્રિટિશ શાસનમાંથી આઝાદ કરાવવા હિંમતભેર લડાઈ લડી હતી અને જાનનું બલિદાન પણ આપ્યું હતું. કંગનાએ આ નિવેદન બદલ તમામ ભારતીયોની જાહેરમાં માફી માગવી જોઈએ.