નવી દિલ્હીઃ રાજકીય પક્ષો બોલીવૂડ સેલેબ્સને ચૂંટણી મેદાનમાં ઉતારે છે, પણ આ બોલીવૂડવાળા જનતાની કેટલી સેવા કરે છે? ફિલ્મી દુનિયામાં વ્યસ્ત રહેતા કલાકારો શું જનતાનો અવાજ સંસદમાં ઉઠાવે છે ખરા? ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ભાજપમાં સામેલ થઈ છે. તે ચૂંટણી લડશે તે નહીં એ હજી કંઈ કહી શકાય નહીં. ચૂંટણીમાં આ ટ્રેન્ડ મજબૂત થઈ ચૂક્યો છે કે બોલીવૂડ સેલબ્સને રાજકીય પાર્ટીઓએ હંમેશાં આકર્ષ્યા છે.
ભાજપે લોકસભા ચૂંટણીમાં ફરીથી સૌથી વધુ બોલીવૂડ સેલેબ્સને ચૂંટણી મેદાનમાં ઊતાર્યા છે. ભાજપે નવ બોલીવૂડ- ટીવી સેલેબ્સને સામેલ કર્યા છે. બીજા નંબરે પશ્ચિમ બંગાળની પાર્ટી TMC છે, જેણે અત્યાર સુધી છ સેલેબ્સને તક આપી છે. કોંગ્રેસ પણ ગુરુગ્રામથી રાજ બબ્બરને ઉતાર્યા છે.
એક વિશ્લેષણ દ્વારા માલૂમ પડ્યું છે કે સની દેઓલે સૌથી ખરાબ કામ કર્યું છે. તેના પર એવો આરોપ પણ લાગતો રહ્યો છે કે તે સંસદીય ક્ષેત્ર ગુરદાસપુરમાં ગયો સુધ્ધાં નથી. સનીએ છેલ્લાં પાંચ વર્ષોમાં માત્ર ચાર સવાલ પૂછ્યા હતા. એ ઉપરાંત તેણે રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન પણ નહોતું કર્યું. એ રીતે કોંગ્રેસ સાંસદ અને મશહૂર ગાયક મોહમ્મદ સાદિકે છેલ્લાં પાંચ વર્ષોમાં માત્ર બે સવાલ પૂછ્યા હતા.
આ ઉપરાંત શત્રુઘ્ન સિંહાએ લોકસભામાં એક પણ સવાલ નહોતો પૂછ્યો. તેમણે એક પણ ચર્ચામાં ભાગ નહોતો લીધો. આ જ રીતે મથુરાથી ઊભેલાં ભાજપના હેમા માલિની પણ લોકસભામાં ઓછી વાર દેખાયાં છે.તેમણે પણ સંસદમાં એક પણ સવાલ નથી પૂછ્યો કે ના કોઈ ચર્ચામાં સામેલ થયાં હતાં.