પત્નીની હત્યાનો પ્રયાસઃ ફિલ્મ નિર્માતા પોલીસ કસ્ટડીમાં

મુંબઈઃ અહીંના અંધેરી (વેસ્ટ)માં પોતાની પત્નીને કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ કરનાર ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રાને અહીંની સ્થાનિક કોર્ટે 30 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર મોકલી દીધો છે.

પોલીસે કમલ કિશોર મિશ્રાને ગઈ કાલે મોડી રાતે શોધી કાઢ્યો હતો અને પકડી લીધો હતો અને આજે સવારે એક મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કર્યો હતો. મિશ્રા એની ઉંમરના ચાલીસના દાયકાની શરૂઆતમાં છે. એની પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મિશ્રા સામે હત્યાના પ્રયાસનો આરોપ મૂક્યો છે.

મિશ્રાની 35 વર્ષીય પત્ની યાસ્મીન ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી છે. એણે એવો આરોપ મૂક્યો છે કે અંધેરી (વેસ્ટ)માં તેઓ જ્યાં રહે છે તે હાઉસિંગ સોસાયટીના પાર્કિંગ લોટમાં ગઈ 19 ઓક્ટોબરે એક કારમાં એણે એનાં પતિને એક અન્ય સ્ત્રી સાથે પકડી પાડ્યો હતો. એનાથી ગુસ્સે ભરાયેલા મિશ્રાએ યાસ્મીનને કચડી નાખવાના ઈરાદા સાથે એની પર કાર ચલાવી દીધી હતી. એને કારણે યાસ્મીનને બંને પગમાં અને માથામાં ઈજા થઈ છે. જોકે એની સ્થિતિ હવે સ્થિર છે. એણે અંધેરી (વેસ્ટ)ના અંબોલી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાઈરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે યાસ્મીન કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ મિશ્રાએ કારને ભગાવી દીધી હતી. એને કારણે યાસ્મીન જમીન પર પડી ગઈ હતી, તે છતાં મિશ્રાએ કાર ભગાવવાનું ચાલુ રાખ્યું હતું. યાસ્મીન કારના પૈડા નીચે હતી. એ જ વખતે બિલ્ડિંગનો ચોકિદાર દોડીને આવે છે અને યાસ્મીનને દૂર ખેંચી લે છે. નહીં તો યાસ્મીન પૈડા નીચે પૂરેપૂરી કચડાઈ ગઈ હોત. મિશ્રા એ પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

મિશ્રા ઉત્તર પ્રદેશના ગોંડાનો વતની છે. એણે ‘ભૂતીયાપા’, ‘ફ્લેટ નંબર 420’, ‘શર્માજી કી લગ ગઈ’, ‘ખલી બલી’, ‘દેહાતી ડિસ્કો’ જેવી ફિલ્મો બનાવી છે. મિશ્રા અને યાસ્મીન 9 વર્ષ પહેલાં એક ભોજપુરી ફિલ્મના શૂટિંગ વખતે પહેલી વાર એકબીજાંને મળ્યા હતા અને બાદમાં બંનેએ લગ્ન કર્યા હતા. પરંતુ અમુક વર્ષ બાદ મિશ્રા કોઈક બીજી મોડેલને ડેટિંગ કરવા લાગ્યો હોવાનું કહેવાય છે. અંધેરી પોલીસે મિશ્રા સામે ઈન્ડિયન પીનલ કોડ અને મોટર વેહિકલ એક્ટની અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.