‘છપાક’: એસિડ હુમલાખોરના નામના વિવાદમાં થઈ ગઈ સ્પષ્ટતા

નવી દિલ્હી:  અભિનેત્રી દીપિકા પાદુકોણે જેએનયુ કૅમ્પસ પર થયેલા હુમલાના વિરોધમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી, તેને લઈને વિવાદ થઈ રહ્યો છે. ત્યારપછી સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ નો બહિષ્કાર કરવાની માગ ઉઠી, તો વળી અનેક લોકોએ દીપિકાનું સમર્થન પણ કર્યું છે. #boycottchhapaak ટ્રેન્ડ થવાની સાથે જ ‘છપાક’ ફિલ્મની વાર્તામાં આરોપી મુસ્લિમ પાત્રનું નામ છુપાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

‘છપાક’ ફિલ્મની સ્ટોરી ઍસિડ હુમલાનો ભોગ બનનાર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. અનેક લોકોએ દીપિકા પાદુકોણ અને ફિલ્મ બનાવનારા પર વાસ્તવિક ઘટનાના આરોપી નદીમ ખાનનું નામ ફિલ્મમાં રાજેશ કરી નાખવાનો આરોપ મૂક્યો છે. જોતજોતામાં #NadeemKhan અને #Rajesh પણ ટ્રૅન્ડ થયા. ત્યારબાદ અનેક દિગ્ગજોએ ‘છપાક’ નિર્માતાઓ પર સવાલો ઉઠાવ્યા છે. તો કેન્દ્રીય પ્રધાન, ભાજપના સાંસદ અને ગાયક બાબુલ સુપ્રિયોએ પણ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી.

જોકે, ‘છપાક’ ફિલ્મનું મીડિયા માટેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવવામાં આવ્યું હતું. તેમાં હાજરી આપનારા અનેક ફિલ્મ પત્રકારો, ફિલ્મ ક્રિટિક્સ અને અન્ય લોકોએ આ સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે સ્વરાજ્ય મેગેઝિને કરેલો દાવો તદ્દન ખોટો છે. ‘છપાક’ ફિલ્મમાં એસિડ હુમલાખોરનો ધર્મ બદલવામાં આવ્યો નથી. જે રીતે રિયલ લાઈફની એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મીનું નામ બદલીને ‘છપાક’ ફિલ્મમાં માલતી કરાયું છે, એ જ રીતે એસિડ અટેકરનું નામ નદીમ ખાનથી બદલીને ‘બબ્બૂ’ ઉર્ફ બશીર ખાન કરવામાં આવ્યું છે.

બાબુલે ટ્વીટ કરી સ્પષ્ટતા

બાબુલ સુપ્રિયોએ ટ્વિટમાં લખ્યું કે, એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે, છપાકમાં આરોપીનું નામ બશીર ખાન ઉર્ફે બબ્બુ છે, ન કે સતીશ. મને પૂરી ઈમાનદારીથી લાગે છે કે, # #Boycott_Chhapaak જેવું કશું જ નથી.

મહત્વનું છે કે, એસિડ એટેકરના ધર્મને લઈને બાબુલ સુપ્રિયોએ નિવેદન આપ્યું હતું કે, જ્યારે તમે કહો છો કે, ફિલ્મની સ્ટોરીના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે તો તમે સંપૂર્ણ રીતે હિપોક્રેસી દેખાડી રહ્યા છો. જ્યારે તમે નામ બદલો છો તો તેની સાથે તમે ધર્મ પણ બદલી નાખો છો. આ બધુ જાણી જોઈને કરવામાં આવ્યું છે.

દીપિકા માટે બાબુલ સુપ્રિયોએ શું કહ્યું?

હવે આરોપીના નામની સ્પષ્ટતા પછી દીપિકા માટે બાબુલે કહ્યું કે, હું મારા વોટિંગ પ્રાથમિકતાઓ કે મારા રાજકીય વિચારો કે છપાકને લીધે દીપિકા પાદુકોણ સાથે રકઝકમાં નહીં ઉતરું. દીપિકા પ્રતિભાશાળી અભિનેત્રી છે. મને ફિલ્મ ગમશે તો હું જોઈશ. પણ એવો અર્થ નથી કે એટલે. હું એ સાથે સહમત થઈ જઈશ. દીપિકાના રાજનૈતિક વિચારો અંગત છે, પણ હું બાયકોટ નહીં કરું. મને અસુવિધા થઈ છે, પણ કોઈ હેરાનગતિ નથી થઈ. પોલીસમાં હું કોઈ ફરિયાદ દાખલ નહીં કરું.

સોશિયલ મિડિયાના જમાનામાં લોકોનાં મતંવ્ય જાહેર હોય છે. લોકો તો સવાલ કરશે જ ને દીપિકાની આ મુલાકાતના ટાઈમિંગ પર લોકો સવાલ કરી રહ્યા છે. દીપિકાને નકારાત્મક પ્રચારની જરૂર નથી.