કસરત કરવાનો કંટાળો કરે એ બીજાં, ‘વિરુષ્કા’ નહીં…

મુંબઈ – ક્રિકેટ ટીમના કેપ્ટન અને પતિ વિરાટ કોહલી સાથે ઈંગ્લેન્ડથી મુંબઈ ઘેર પાછી ફર્યાં બાદ બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા વર્લ્ડ કપ-2019માં ભારતીય ટીમની થયેલી હારની નિરાશાને ખંખેરી નાખી છે અને આરામ કરવાને બદલે કસરત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું છે.

અભિનેત્રી તરીકે અનુષ્કા પાસે કોઈ ફિલ્મ હોવાનું જાણમાં નથી. એ નિર્માત્રી પણ છે, પણ કોઈ ફિલ્મ બનાવી રહી હોવાનું પણ જાણમાં નથી. આમ, તે હાલ નિરાંતમાં છે, પણ આ સમયગાળામાં આળસુની જેમ પડ્યા રહેવાને બદલે એ બમણા જોરથી કસરત કરી રહી છે.

જિમ્નેશિયમમાં વજન ઉંચકવા સહિતની કસરત કરતી હોવાનો પોતાનો વિડિયો એણે સોશિયલ મિડિયા પર શેર કર્યો છે.

વિડિયોમાં અનુષ્કા ડેડલિફ્ટ કરતી અને બીજી કઠિન બોડી એક્સરસાઈઝ કરતી જોવા મળે છે.

આ વિડિયો ક્લિપ ફિટનેસ પ્રતિ અનુષ્કા કેટલી જાગ્રત છે એનો પુરાવો છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પણ ફિટનેસ માટે ખૂબ સજાગ રહે છે અને જિમ્નેશિયમમાં વર્કઆઉટ કરવાનું ટીમના અન્ય સાથીઓ કરતાં વધારે પસંદ કરે છે.

અનુષ્કા છેલ્લે ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળી હતી.

અનુષ્કાની જેમ વિરાટ કોહલીએ પણ વર્કઆઉટ કરતો હોવાના પોતાના 3 વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યા છે.