‘ભૂલભૂલૈયા 2’ માટે સારા અલી ખાન, જ્હાન્વી કપૂર વચ્ચે હરીફાઈ

મુંબઈ – અક્ષય કુમાર, વિદ્યા બાલન અને શાઈની આહુજા અભિનીત ‘ભૂલભૂલૈયા’ ફિલ્મની સીક્વલ બની રહી છે. એમાં વિદ્યા બાલનવાળી ભૂમિકા માટે સારા અલી ખાન અને જ્હાન્વી કપૂરમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવશે. હિરો નક્કી થઈ ગયો છે – કાર્તિક આર્યન.

આ બંને હિરોઈને બોલીવૂડમાં એક જ સમયે એન્ટ્રી કરી હતી. ત્યારથી મિડિયા આ બંને અભિનેત્રી વચ્ચે હરીફાઈ જોતું આવ્યું છે.

પિન્કવિલાને ટાંકીને એક સૂત્રએ જણાવ્યું છે કે ટી-સીરિઝના નિર્માતાઓની સાથે મુરાદ ખેતાની અને અશ્વિન વર્દેએ ‘ભૂલભૂલૈયા 2’ માટેની સ્ક્રિપ્ટને આખરી ઓપ આપી દીધો છે. તેઓ હિરોઈન તરીકે કોઈ યુવા અભિનેત્રીને ચમકાવવા માગે છે. એમના મનમાં બે અભિનેત્રી છે – સારા અને જ્હાન્વી. આ બંને અભિનેત્રીએ એમની એક્ટિંગનો પરચો બતાવી દીધો છે. હવે જેની પાસે આ ફિલ્મ માટેની ડેટ્સ હશે એ પસંદ થશે.

‘ભૂલભૂલૈયા 2’માં એકદમ નવી જ વાર્તા હશે. એને ‘ભૂલભૂલૈયા’ ફિલ્મ સાથે કોઈ સંબંધ નહીં હોય. જોકે ભૂલભૂલૈયાની જેમ સિક્વલમાં પણ અભિનેત્રીનો રોલ પડકારરૂપ હશે. નિર્માતા-દિગ્દર્શક ટૂંક સમયમાં જ સારા અને જ્હાન્વીનો સંપર્ક કરશે.

સારા અલી ખાને હાલમાં જ ‘આજ કલ’ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે જ્યારે જ્હાન્વીની પસંદગી ‘દોસ્તાના 2’ માટે કરવામાં આવી છે, પણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હજી બાકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]