‘નસીરુદ્દીન શાહે એકવાર ‘ગદર 2’ જોવાની જરૂર છે’: દિગ્દર્શક અનિલ શર્મા

મુંબઈઃ ‘કશ્મીર ફાઈલ્સ’, ‘ગદર 2’ અને ‘કેરાલા સ્ટોરી’ ફિલ્મોની સફળતા અને લોકપ્રિયતા પોતાને પરેશાન કરનારી છે એવી હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહે કરેલી ટીકા ચર્ચાસ્પદ બની ગઈ છે. ‘ગદર 2’ ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ નસીરુદ્દીનની ટીકા વિશે પ્રત્યાઘાત વ્યક્ત કર્યા છે અને કહ્યું છે કે, ‘નસીર સાહેબની કમેન્ટ વાંચીને મને આઘાત લાગ્યો છે.’

એક પોર્ટલ સાથેની મુલાકાતમાં જ્યારે નસીરુદ્દીનની ટીકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે શર્માએ કહ્યું કે, ‘નસીર સાહેબે કરેલી ટીકા વિશે મેં વાંચ્યું. મને એ વાંચીને આશ્ચર્ય થયું છે. નસીર સાહેબ મને સારી રીતે ઓળખે છે અને હું કઈ વિચારધારામાં માનું છું એની પણ તેમને ખબર છે. ‘ગદર 2’ ફિલ્મ વિશે તેઓ આવું બોલે છે એ જાણીને મને આશ્ચર્ય થયું છે. મારું કહેવું છે કે ‘ગદર 2’ ફિલ્મ કોઈ સમુદાયની વિરુદ્ધમાં નથી કે કોઈ દેશની વિરુદ્ધમાં પણ નથી. ગદર ફિલ્મ દેશભક્તિથી ભરપૂર છે. તે એક સીક્વલનો ભાગ છે. આ એકદમ મસાલા ફિલ્મ છે. લોકો વર્ષોથી એ જુએ છે. એટલે નસીર સાહેબને મારી વિનંતી છે કે એકવાર તેઓ ‘ગદર 2’ જુએ, મને ખાતરી છે કે એ પછી તેઓ ચોક્કસપણે એમનું નિવેદન બદલી નાખશે. એમણે આવી ટીકા કરવી ન જોઈએ. હું એમની અભિનયક્ષમતાનો પ્રશંસક છું. મેં હંમેશાં મસાલા ફિલ્મો બનાવવા પર ધ્યાન આપ્યું છે. ફિલ્મો બનાવવામાં મેં ક્યારેય કોઈ રાજકીય પ્રચાર કર્યો નથી.’