સનાતન ધર્મનું અપમાન કરનાર ઉદયનિધિ સ્ટાલીન સામે મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી

મુંબઈઃ સનાતન ધર્મનું અપમાન કરતી ટકોર ગઈ બીજી સપ્ટેમ્બરે કરવા બદલ તામિલનાડુના પ્રધાન ઉદયનિધિ સ્ટાલીન સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ એફઆઈઆર મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરની પોલીસે નોંધી છે. સ્ટાલીન વિરુદ્ધ ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની 153-એ અને 295-એ કલમ અંતર્ગત આ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિમંડળે ગઈ 12 સપ્ટેમ્બરે પોલીસને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદન કરવા બદલ તામિલનાડુની ડીએમકે પાર્ટીના નેતા ઉદયનિધિ સામે એફઆઈઆર નોંધવાની માગણી કરી હતી. ઉદયનિધિ તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલીનના પુત્ર છે. એમણે ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં સનાતન ધર્મને મચ્છર તેમજ અનેક પ્રકારના રોગ સાથે સરખાવ્યો હતો અને કહ્યું હતું આ ધર્મને નાબૂદ કરવો જોઈએ.

એમના આવા દ્વેષપૂર્ણ નિવેદનને કારણે એમની વિરુદ્ધ આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમના સાથી પ્રધાનોને કહેવું પડ્યું છે કે સનાતન ધર્મ અંગે વાસ્તવિક દલીલો સાથે તેઓ વિરોધપક્ષોની ટીકાનો વળતો જવાબ આપે. ઉદયનિધિને કોંગ્રેસ સહિત 28 વિરોધપક્ષોએ રચેલા ‘ઈન્ડિયા’ જૂથે ટેકો આપ્યો છે. ઉદયનિધિ સામે આ વાંધાજનક નિવેદન બદલ ઉત્તર પ્રદેશમાં પણ એક પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ડીએમકે પાર્ટીના સંસદસભ્ય એ. રાજાએ 6ઠ્ઠી સપ્ટેમ્બરે એમ કહીને આ વિવાદમાં બળતણ નાખ્યું હતું કે સનાતન ધર્મ અંગે ટીકાટિપ્પણ કરવામાં ઉદયનિધિ નરમ રહ્યા હતા. રાજાએ ઉમેર્યું હતું કે સનાતન ધર્મની સરખામણી એચઆઈવી અને સામાજિક કલંક સાથે કરવી જોઈએ.