ઈરફાન ખાન, રિશી કપૂરને અમૂલની હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ

મુંબઈઃ ભારતે 24 કલાકના સમયની અંદર બે દિગ્ગજ ફિલ્મ અભિનેતા – ઈરફાન ખાન અને રિશી કપૂરને ગુમાવી દીધા. આ બંને અભિનેતાના નિધને માત્ર દેશભરમાં જ નહીં, વિદેશમાં વસતા આ બંને અભિનેતાના પ્રશંસકોને પણ આંચકો આપ્યો છે. દુનિયાભરમાંથી શોકસંદેશાઓનો ઠલવાઈ રહ્યા છે. બંને અભિનેતાનું મુંબઈમાં અવસાન થયું છે.

ભારતમાં સહકારી દૂધ ઉત્પાદન ઉદ્યોગની અગ્રગણ્ય કંપની અમૂલ સાંપ્રત ઘટનાઓ પર આધારિત તેની રસપ્રદ જાહેરખબરો માટે જાણીતી છે.

અમૂલે આ વખતે તેની અત્યાર સુધીની સૌથી વધુ હૃદયસ્પર્શી એડ-ટોપિકલ આ વખતે રિલીઝ કરી છે જેમાં તેણે ઈરફાન અને રિશીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આ છે એ બંને જાહેરખબરના ટ્વીટ…

53 વર્ષીય ઈરફાન ખાને ગયા બુધવારે સવારે (29 એપ્રિલ, 2020)ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આંતરડામાં ઈન્ફેક્શન લાગવાથી એમને અંધેરી (વેસ્ટ)ની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમને દુર્લભ એવું ન્યુરોએન્ડોક્રાઈન ટ્યૂમર કેન્સર થયું હતું.

હજી બધા ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં હતાં ત્યાં બીજા જ દિવસની સવારે રિશી કપૂરના નિધનના આઘાતજનક સમાચાર આવ્યા હતા. રિશીને બ્લડ કેન્સર થયું હતું.

એમણે 30 એપ્રિલના ગુરુવારે સવારે 8.45 વાગ્યે દક્ષિણ મુંબઈના ચર્ની રોડસ્થિત સર હરકીસનદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો.

ઈરફાન અને રિશી, બંનેને બે વર્ષથી કેન્સરની બીમારી હતી. ઈરફાને લંડનમાં જઈને અને રિશીએ ન્યૂયોર્કમાં જઈને સારવાર કરાવી હતી.

બંને અભિનેતાએ D-Day ફિલ્મમાં સાથે કામ પણ કર્યું હતું.

ઈરફાનના પરિવારમાં એમના પત્ની અને બે પુત્ર છે, જ્યારે રિશીના પરિવારમાં એમના અભિનેત્રી પત્ની નીતૂ કપૂર, પુત્ર રણબીર અને પુત્રી રિધીમા કપૂર-સાહની છે.