દક્ષિણ કોરિયા, સ્વીડનની કમાલઃ લોકડાઉન વગર કોરોના પર કાબૂ મેળવ્યો

સોલઃ દક્ષિણ કોરિયાની પશ્ચિમી સરહદ ચીનને અડીને હોવા છતાં આ દેશ કોરોના વાઈરસના ચેપથી મોટે ભાગે સુરક્ષિત રહી શક્યો છે. ખાસ કરીને અહીં આ વાઇરસને લીધે મૃત્યુદર ઓછો છે. આવો જ એક અન્ય દેશ સ્વીડન છે, જે વગર લોકડાઉને પડોશી દેશોની તુલનાએ ઘણો આગળ દેખાઈ રહ્યો છે. ચીનનો પડોશી દેશ હોવા છતાં દક્ષિણ કોરિયામાં ઇન્ફેક્શનના આંકડા અત્યાર સુધી 10,000 સીમિત છે. અહીં 250 જણના મોત થયાં છે.

બીજી બાજુ, સ્વીડન પણ અન્ય દેશોની તુલનાએ સારી કામગીરી કરી છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 21,520એ પહોંચી છે અને 2653 લોકોનાં મોત થયાં છે. આ દેશોએ કોરોના પર જીત મેળવી છે અને અહીં અન્ય દેશોની તુલનાએ સખ્તાઈભર્યું અને સંપૂર્ણ લોકડાઉન પણ લાગુ નથી કરાયું.

દક્ષિણ કોરિયાની કોરોના સંક્રમિતોની સંખ્યા સિંગલ ડિજિટ 

સૌથી પહેલા દક્ષિણ કોરિયાની વાત કરીએ તો ફેબ્રુઆરીના અંતમાં એક દિવસમાં અહીં 900થી વધુ કેસ સામે આવ્યા હતા, પણ તે પછીના બે મહિનામાં એમાં ઝડપથી ઘટાડો થયો હતો. ગત્ સપ્તાહમાં અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા સિંગલ ડિજિટ રહી ગઈ હતી. આ દરમ્યાન નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી પણ યોજાઈ ગઈ. આ એક એવું પગલું હતું જે વિશે વિશ્વના મોટા ભાગના દેશો વિચારી પણ ના શકે, કેમ કે એવા દેશોની સંપૂર્ણ તાકાત લોકડાઉનનું પાલન કરાવવામાં અને કોરોના સંક્રમિતોની સારસંભાળમાં જ લગાડવામાં આવી હતી.

આટલી છૂટ પછી પણ દેશ સુરક્ષિત કેવી રીતે?

આ દેશમાં બાર, કેફે, દુકાનો અને બધી હોટલો ખૂલી છે. ટૂંક સમયમાં ચર્ચને ચાલુ રાખવા પર પણ લાગેલો પ્રતિબંધ પણ દૂર થવાનો છે. આ મહિનાથી દક્ષિણ કોરિયાની ફૂટબોલ અને બેઝબોલ ટીમો પણ રમવાનું શરૂ કરશે. આટલી છૂટ પછી પણ દેશ સુરક્ષિત કેવી રીતે? આનું કારણ એ છે કે દેશની સ્પષ્ટ નીતિ – જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, તપાસ અને સારવાર પર ભાર આપવામાં આવ્યો છે.

વળી આ પહેલાં ‘સાર્સ’ અને ‘મર્સ’ વાઈરસોથી પ્રભાવિત થઈ ચૂકેલા દક્ષિણ કોરિયાએ એમાંથી ઘણું શીખી લીધું છે. વર્ષ 2015માં ‘મર્સ’ને કારણે અહીં 38 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેને લીધે સરકાર પર ઘણા આરોપ પણ લાગ્યા હતા. આ બીમારીમાંથી શીખ લઈ ચૂકેલી સરકારે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને તપાસ પર વધુ ભાર મૂક્યો છે. કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સ બનાવી, જેનો મંત્ર હતો- ટેસ્ટ, ટ્રેસ અને કન્ટેઇન. દેશમાં કોરોનાની તપાસ માટે 600 સેન્ટર બનાવાયા, જેમાં એક દિવસમાં 20,000 સુધી તપાસ થવા માંડી.

કોરિયન સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન સતત બતાવી રહ્યું છે કે તમારી આસપાસ કોઈ સંદિગ્ધ છે. આનાથી લોકો સતર્ક રહ્યા અને અહીં સુધી કે કોઈ સંક્રમિતના સંપર્કમાં આવી ચૂકેલા લોકો પોતે આગળ આવીને ટેસ્ટિંગ કરવા સેન્ટર પહોંચવા માંડ્યા. દેશના લોકોની જાગરુકતાએ પણ કોરોનાથી જીત મેળવવાનું એક કારણ છે. આ સાથે દક્ષિણ કોરિયાની હેલ્થકેર સિસ્ટમ પણ ઘણી સારી છે.

ટેસ્ટિંગ અને સારવાર પર વધુ ભાર

હવે સ્વીડન વાત કરીએ તો આ દેશે અન્ય યુરોપિયન દેશોના લોકડાઉનને નથી અપનાવ્યું. તેમ છતાં અહીં કોરોના સંક્રમણ અને મોતનો આંકડો ઓછો છે. 28 માર્ચે 2000 સ્વિડિશ સંશોધકોએ એક પિટિશન પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંશોધકોએ WHOની ભલામણો પર કામ કરવાનું જલદી શરૂ કર્યું હતું. આ દેશે ટેસ્ટિંગ અને સારવાર પર વધુ ભાર મૂક્યો હતો.

સ્વીડનની હેલ્થકેર સિસ્ટમ વગર લોકડાઉને પણ કોરોના દર્દીઓની દેખરેખ કરી શકે છે. અહીં સિનિયર સિટિઝનોની સંભાળ લેવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.

સ્વીડનમાં લોકડાઉન નહીં, સતત ટેસ્ટિંગ

સ્વીડને કોરોના પર જીત હાંસલ કરી લીધી છે, એ કહે છે કે અમે લોકડાઉન નથી કર્યું, પણ બધા વેપાર પહેલાંની જેમ ચાલી રહ્યા છે, એવું નથી, અમે સતત ટેસ્ટિંગ કરી રહ્યા છે. હાલ સ્વીડનમાં રેસ્ટોરાં-બાર, સલૂન અને કેટલીક સ્કૂલો પણ ચાલુ છે. જોકે 50થી વધુ લોકોના એકત્ર થવા પર મનાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]