આલોકનાથે લેખિકા-નિર્દેશિકા વિન્તા નંદા સામે 1 રૂપિયાનો માનહાનિનો કેસ કર્યો

મુંબઈ – ફિલ્મ તથા ટીવી સિરિયલોના અભિનેતા આલોકનાથે એમની વિરુદ્ધ બળાત્કારનો આરોપ મૂકનાર લેખિકા-નિર્દેશિકા વિન્તા નંદા સામે માનહાનિનો કેસ કર્યો છે અને વળતર પેટે 1 રૂપિયાનો દાવો માંડ્યો છે.

આલોકનાથે વિન્તા નંદાની ફરિયાદના સંબંધમાં ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સીસ એસોસિએશન (IFTDA) તરફથી મોકલવામાં આવેલી કારણદર્શક નોટિસને ફગાવી દીધી છે અને કહ્યું છે કે પોતે કોઈ સંસ્થાને જવાબ આપવા બંધાયેલા નથી. આલોકનાથે જવાબમાં એમ લખ્યું છે કે મને પૂછવાવાળા તમે વળી કોણ છો? આ બાબતમાં તપાસ કરવાની જવાબદારી તમને કોણે આપી?

વિન્તા નંદાએ એમનાં ફેસબુક પેજ પર એક પોસ્ટમાં પહેલા એવો આક્ષેપ કર્યો હતો કે ફિલ્મ લાઈનમાં સંસ્કારી ઈમેજથી જાણીતા એક અભિનેતાએ એમની પર બળાત્કાર કર્યો હતો. એમણે લખ્યું હતું કે, જે ક્ષણની હું 19 વર્ષથી રાહ જોતી હતી તે હવે આવી પહોંચી છે.

નંદાએ બાદમાં પત્રકાર પરિષદમાં આલોકનાથનું નામ લીધું હતું.

આલોકનાથે નંદાને કહ્યું છે કે આરોપ મૂકવા બદલ એ માફી માગે.

આલોકનાથના પત્ની આશુએ નંદાની ફરિયાદના સંબંધમાં મુંબઈમાં ગોરેગામ (ઈસ્ટ)ના દિંડોશી વિસ્તારની એક સેશન્સ કોર્ટના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે અને નંદા વિરુદ્ધ બદનક્ષીના દાવામાં કાર્યવાહી શરૂ કરવાની મેજિસ્ટ્રેટને વિનંતી કરી હતી.

દરમિયાન, નંદાનાં વકીલ ધ્રૂતિ કાપડિયાએ કહ્યું છે કે અમે આ મામલે કાયદેસર લડી લઈશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]