કશ્મીરની ઓર એક સમસ્યાઃ કેસરિયા સમસ્યા

સમસ્યા રાજકારણની કેસરિયા સમસ્યા નથી. આ સમસ્યા છે અસલી કેસરની. કશ્મીરનું કેસર પણ દુનિયાભરમાં જાણીતું છે. કશ્મીર ખીણની રચના કુદરતી રીતે એવી થયેલી છે કે ટુરિઝમ માટે તે સૌનું ફેવરિટ સ્થળ બન્યું છે. કશ્મીરના સફરજન પણ એટલા જ જાણીતા. જોકે સફરજનની ખેતી હવે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ સારી થાય છે. કાશ્મીરનું લસણ પણ આયુર્વેદમાં જાણીતું છે. તેને એક પોથી લસણ પણ કહે છે. સ્વાદમાં થોડું ઓછું તીખું અને તમતમતું કાશ્મીરી લસણ ફાયદાકારક ગણાય છે.
પણ કશ્મીરનું સૌથી જાણીતી વસ્તુ એટલે કેસર. કેસરનો રંગ પણ સોનેરી અને તેનું મૂલ્ય પણ સોના બરાબર. સોનું તોલામાં ગણાય અને કેસર પણ તોલામાં જોખાય. જાંબુડી કલરના ફૂલમાં વચ્ચેની નાનકડી પાંખડીમાંથી જરાક અમથું કેસર મળે, પણ તે બહુ કિંમતી હોય છે. તેની સુગંધ અને તેના ફાયદાના વખાણ સદીઓથી લોકો કરતા થાક્યા નથી.
કશ્મીરમાં લગભગ 1500 વર્ષથી કેસર થતું હોવાનું મનાય છે. પમ્પોર વિસ્તારમાં 550ની સાલમાં કેસરની ખેતી શરૂ થઈ હતી તેવું મનાય છે. ડોડા જિલ્લામાં પેદા થતું કેસર સૌથી સુગંધિત અને ઉત્તમ મનાય છે. પરંતુ કેસરની ખેતી માટે હવે સમસ્યા ઊભી થઈ રહી છે. પહેલાં જંગલો કપાયને ખેતી થાય. હવે ખેતીની જગ્યાએ શહેરો અને કારખાના વધી રહ્યાં છે. આ જ સમસ્યા કશ્મીરમાં પણ છે. કેસર માટે વિશેષ પ્રકારની જમીન અને હવામાન જોઈએ. ઢોળાવવાળી જમીન, ઠંડું વાતાવરણ અને માટીના વિશેષ ગુણને કારણે કશ્મીર ખીણનો અમુક વિસ્તાર તેની ખેતી માટે વધારે લાયક ગણાય છે. પણ આ જમીનો હવે બગડવા લાગી છે અને કેસર લાયક ખેતીની જમીન ઘટવા લાગી છે. મોઘું હોવાથી કેસરની ખેતી ફાયદાકારક હોવી જોઈએ, પણ સાચી વાત એ છે કે અઢળક ફુલોમાંથી અડધો કિલો કેસર માંડ નીકળે છે. બધામાં થાય છે તેમ કેસરની ખેતી કરનારા ખેડૂતો કરતાં કેસરનો વેપાર કરનારા વધારે કમાય છે.
કેસરનો ભાવ અત્યારે કિલોના 30થી 40 હજાર સુધીનો આવે છે, છતાં તેની ખેતી કશ્મીરમાં ઓછી થઈ રહી છે.
પુલવામા અને ડોડા જિલ્લામાં કેસરના ખેતરો ઘટ્યા હોવાનું સ્થાનિકો કહે છે. બીજી સમસ્યા તાપમાન વધી રહ્યું છે તે પણ છે. જોઈએ તેવી ઠંડી કેટલાક વર્ષોથી પડતી નથી. પણ મુખ્ય સમસ્યા ઘટતી જતી જમીન છે. 2017-18ના તાજાં આંકડાં આવ્યા ત્યારે આ સમસ્યા કેટલી ગંભીર છે તેનો ખ્યાલ આવ્યો છે. ગત વર્ષે કાશ્મીરમાં કેસરનું કુલ ઉત્પાદન 16.45 મેટ્રિક ટન થયું હતું. 2017-18ના વર્ષમાં તે ઘટીને માત્ર 5.2 મેટ્રિક ટન જ થયું. આટલો મોટો ઘટાડો રાજ્ય માટે ચિંતાનો વિષય છે, કેમ કે કેસરની નિકાસ આવકનું અગત્યનું સાધન છે. ઉત્પાદન ઘટડા માટે પહેલું કારણ મોસમમાં પરિવર્તનનું અપાયું છે. હવામાનમાં ફેરફારના કારણે પ્રતિ હેક્ટર જે ઉત્પાદન થવું જોઈએ તે થયું નથી. આગલા વર્ષોમાં પ્રતિ હેક્ટર 4.2 કિલો કેસર તૈયાર થતું હતું. તેની સરખામણીએ 2017-18માં પ્રતિ હેક્ટર માત્ર 1.4 કિલો જ ઉત્પાદન થયું. છેલ્લા કેટલાક વર્ષોથી સતત ઉત્પાદન ઓછું થવા લાગ્યું છે.
એક તો ઉત્પાદન ઓછું અને કુલ કેસરની ખેતીનું ક્ષેત્રફળ પણ ઓછું થયું છે. જોકે અત્યારે નિષ્ણાતો કહે છે કે હેક્ટર દીઠ ઉત્પાદન ઘટ્યું છે તે જ ચિંતાનું મુખ્ય કારણ છે. ઠંડી ઉપરાંત સમયસર વરસાદ પણ કેસરની ખેતી માટે જરૂરી છે. બધા જ પાક માટે સમયસર વરસાદ જરૂરી છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે. ગુજરાતમાં આ વર્ષે આપણે જોયું કે પ્રારંભમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મર્યાદિત વિસ્તારોમાં એક સાથે જોરદાર વરસાદ પડ્યો. એક સાથે 20 – 25 ઇંચ વરસાદ થઈ ગયો અને પછી ગાયબ થઈ ગયો. ઉત્તર ગુજરાતમાં ગયા વર્ષે એક સાથે જોરદાર વરસાદ થયો અને ખેતરો ઘોવાયા. આ વર્ષે વરસાદ જાણે દેખાયો જ નથી. જ્યાં દેખાયો, ત્યાં પણ પહેલાં એક સાથે વરસી ગયો. બાદમાં પાક બળી ગયો ત્યારે છેલ્લે ફરી આવ્યો.
કશ્મીરમાં કેસરનું વાવેતર એ રીતે થાય છે કે માર્ચે એપ્રિલમાં વરસાદ થવો જોઈએ. ત્યાર બાદ ઑગસ્ટ અને
સપ્ટેમ્બરની મોસમમાં ફરી વરસાદ થવો જોઈએ. કેસરની બાબતોના જાણકાર અને સંશોધક ફિરદોસ નેહવીના જણાવ્યા અનુસાર 1999થી વરસાદની રીત બદલાઈ છે. શિયાળામાં વરસાદ પડે અને તે પછી ઉનાળામાં તડકો પડે. છેલ્લે ફરીથી વરસાદ થાય. તેના બદલે હવે જૂન જુલાઈના ઉનાળામાં વરસાદ પડી જાય છે. તે વખતે કેસરના ફૂલોને વરસાદ નુકસાન કરે છે. ગુજરાતમાં શિયાળાના અંતે માવઠું થાય અને કેસર કેરીના ફૂલ ખરી જાય તેના જેવી આ સ્થિતિ છે. નેહવી આંકડાં આપીને વાત કરતાં કહે છે કે 1999 પહેલાંના વર્ષોમાં એપ્રિલથી જુલાઈમાં સરેરાશ ત્રણથી ચાર ઇંચ વરસાદ થતો હતો. 1999 પછી આ સિઝનમાં વરસાદ વધ્યો છે અને સરેરાશ 5થી 7 ઇંચ વરસાદ થવા લાગ્યો છે.એક તરફ જરૂર ના હોય ત્યારે વધારે વરસાદ અને જરૂર હોય ત્યારે ઓછો વરસાદ. કાશ્મીરના કૃષિ વિભાગના અલ્તાફ અંદ્રાબી કહે છે કે હવામાં થોડો ભેજ હોય તે પણ જરૂરી છે. પણ ભેજની જરૂર હોય ત્યારે વાદળો બંધાય જ નહિ તેથી ભેજ મળતો નથી અને કેસરના ફૂલ સૂકાઈ જાય છે.
જોકે હવામાનની સાથે જ બીજી જે સમસ્યા છે તેની અવગણના કરી શકાય તેમ નથી. સરકારના પોતાના આંકડાં જ કહે છે કે પહેલા કરતાં ઓછી જમીનમાં કેસરની ખેતી થાય છે. 1990માં 7000 હેક્ટરમાં કેસરની વાવણી થતી હોવાનું સરકારી ચોપડે નોંધાતું હતું. 1997માં કેસરનું વાવેતર 5707 હેક્ટર નોંધાયું હતું. બે દાયકા પછી માત્ર 3700 હેક્ટરમાં જ કેસરની ખેતી થઈ રહી છે. ત્રણ દાયકામાં અડધોઅડધ જમીન ઓછી થઈ ગઈ છે. પુલવામાના પમ્પોર તાલુકામાં સૌથી વધારે જમીન ઓછી થઈ છે. સરકારી નીતિ અને બિલ્ડરોને કારણે કેસરની ખેતીની જમીન બિનખેતી થઈ રહી છે. પમ્પોરના સ્થાનિક કેસરની ખેતી કરનારા એક ખેડૂત કહે છે કે પમ્પોરમાં સારામાં સારું કેસર થતું હતું ત્યાં મોટી કોલોની ઊભી થઈ ગઈ છે. વક્રતા એ છે કે તે કોલોનીનું નામ સેફ્રોન રાખવામાં આવ્યું છે.
આ જ સ્થિતિ રહી તો કશ્મીરના કેસરનું નામ જ માત્ર યાદગીરીમાં રહી જશે. ખેતીની જમીન અડધી થઈ ગઈ અને ઉત્પાદકતા ત્રીજા ભાગની થઈ ગઈ છે. તેનો અર્થ એ કે એક તરફ કેસરની માગ વધી રહી છે અને ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. તો પછી આ કેસર આવે છે ક્યાંથી? જમાનો નકલીનો અને સિન્થેટિકનો છે કેસરની માંગ હોવાથી નકલી, સિન્થેટિક અને ઇરાન કે સ્પેન જેવા દેશના કેસરને કાશ્મીર કેસરનું નામ આપીને વેચવામાં આવે છે. કાશ્મીરનો અસલી કેસરિયો સ્વાદ દુર્લભ બની રહ્યો છે. નવી પેઢીએ કદાચ અસલી કાશ્મીરી કેસરનો સ્વાદ ચાખ્યો જ નથી, પણ જૂની પેઢીના શોખીનોને ખ્યાલ આવે છે કે શું ફરક પડતો હોય છે. જોકે ફાસ્ટફૂડના અને ફાસ્ટ લાઇફના જમાનામાં અસલીના આસ્વાદ કરતાં, નકલીનો આકર્ષક નજારો વધારે ચાલતો હોય છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]