મુંબઈઃ આગામી હિન્દી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મમાં 55 વર્ષીય અક્ષયકુમાર અને 32 વર્ષીય ટાઈગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અક્ષયકુમારે સોશ્યલ મીડિયાના માધ્યમથી કહ્યું છે કે પોતે ટાઈગરમાંથી પ્રેરણા મેળવી છે. અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે ફિલ્મના સેટ પર ફૂરસદના સમયે તે અને ટાઈગર વોલીબોલ રમતા દેખાય છે. અક્ષયે ટાઈગરને ઉદ્દેશીને લખેલી લાંબી નોંધમાં લખ્યું છે કે, ‘મેં મારી કારકિર્દી 32 વર્ષ પહેલાં એક એક્શન ફિલ્મથી કરી હતી. આટલા દાયકાઓમાં મેં ઘણું કામ કર્યું, પરંતુ આ ફિલ્મના 15 દિવસના શૂટિંગમાં જ મને થયું કે મારી શારીરિક અને માનસિક રીતે ઘણી કસોટી થઈ ગઈ. રોજ ફિઝિયોથેરાપી ચાલી રહી છે. તે છતાં હું ફરિયાદ નથી કરતો. મેં જ્યારે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરેલું ત્યારે તારો જન્મ થયો હતો. આજે આ ફિલ્મમાં તારી સાથે શૂટિંગ કરતી વખતે ઘણું સારું લાગે છે. મને નવું જોમ પ્રાપ્ત થયાની લાગણી થાય છે. હું અંદરથી સ્વયંને યુવાન મહેસુસ કરું છું. આપણે ઘણા રોમાંચક સ્ટન્ટ કર્યા, ફિટનેસ વિશેની વાતો કરી, કસરતો કરી અને વોલીબોલ પણ રમ્યા. મને પ્રેરણા આપવા બદલ ટાઈગર તારો આભાર.’ આના જવાબમાં ટાઈગરે પણ અક્ષયનો આભાર માન્યો છે અને લખ્યું છે કે, ‘તમારી ઊર્જા અજોડ છે.’
આ ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની, હિમાંશુ મેહરા અને અલી અબ્બાસ ઝફરે કર્યું છે. ફિલ્મના પટકથાલેખક અને દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર છે.
