રણબીર કપૂર ગરીબ બાળકો માટે ‘આદિપુરુષ’ની 10,000 ટિકિટો બુક કરાવશે

મુંબઈઃ પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન અભિનિત તેલુગુ અને હિન્દી ભાષી ફિલ્મ ‘આદિપુરુષ’ આવતી 16 જૂને દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને ‘U’ સર્ટિફિકેટ આપ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા મુજબ, બોલીવુડ અભિનેતા રણબીર કપૂરે નક્કી કર્યું છે કે તે સમાજના વંચિત (અસહાય કે ગરીબ) બાળકોને મફતમાં આ ફિલ્મ બતાવશે. એ માટે તે થિયેટરોમાં ‘આદિપુરુષ’ ફિલ્મની 10,000 ટિકિટો બુક કરાવવાનો છે.

આ જ રીતે, નિર્માતા અભિષેક અગ્રવાલે પણ જાહેરાત કરી છે કે પોતે તેલંગાણાની સરકારી શાળાઓ, અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમોમાં ‘આદિપુરુષ’ ફિલ્મની 10,000 મફત ટિકિટ વહેંચશે.

ઓમ રાઉત દિગ્દર્શિત ‘આદિપુરુષ’ ફિલ્મમાં પ્રભાસે રાજા રાઘવ (ભગવાન રામ), કૃતિ સેનને જાનકી, સની સિંહે લક્ષ્મણ, દેવદત્ત નાગેએ બજરંગ બલી (હનુમાન) અને સૈફ અલી ખાને લંકેશ (રાવણ)ની ભૂમિકા ભજવી છે.