મુંબઈના ઝવેરી બજારમાં રહેણાંક ઈમારતમાં ભીષણ આગ; અનેકને બચાવી લેવાયાં

મુંબઈઃ દક્ષિણ મુંબઈના ઝવેરી બજાર વિસ્તારમાં ગઈ મધરાત બાદ લગભગ 1.35 વાગ્યે મુંબાદેવી મંદિર નજીક આવેલી એક બહુમાળી રહેણાંક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. અગ્નિશામક દળને તે વિશે 1.38 વાગ્યે જાણ કરવામાં આવી હતી. ફાયરમેનો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને મકાનમાં ફસાઈ ગયેલા 50-60 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

આગ કાલબાદેવી વિસ્તારના ચાઈના બાઝાર નામક પાંચ-માળના મકાનમાં લાગી હતી. એને કારણે મકાનના તમામ માળને ખૂબ જ નુકસાન થયું છે. આગ બુઝાવવા માટે 12 ફાયર ટેન્ડર્સ સાથે જવાનો કામે લાગ્યા હતા. અગ્નિશમન વિભાગે આગને લેવલ-3ની ઘોષિત કરી હતી. આગ નીચેના માળ પર લાગી હતી, પણ ખૂબ ઝડપથી ઉપરના છ માળ સુધી ફેલાઈ ગઈ હતી.

આગની તીવ્ર જ્વાળાઓ અને ગરમીને કારણે પહેલા અને બીજા માળ પરની છત તેમજ સીડી ધ્વસ્ત થઈ ગયા હતા. સદ્દભાગ્યે કોઈને ઈજા થઈ નથી.

ફાયરમેનોએ બાજુના મકાનની સીડીનો ઉપયોગ કરીને ફસાઈ ગયેલા લોકોને ઉગારી લીધા હતા. બચાવ કામગીરીમાં જવાનોએ જબરદસ્ત હિંમત અને ઝડપ દર્શાવી હતી.