ધર્મા પ્રોડક્શન્સમાં 50 ટકા હિસ્સો ખરીદશે અદાર પૂનાવાલા

નવી દિલ્હીઃ અદાર પૂનાવાલાની આગેવાનીવાળી સેરેન પ્રોડક્શન્સ કરણ જૌહરની કંપની ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઇનમેન્ટ (ધર્મા)માં 50 ટકા હિસ્સો હાંસલ કરશે. આ હિસ્સો રૂ. 1000 કરોડમાં ખરીદવામાં આવશે.આ સોદા પછી સેરેન પ્રોડક્શન્સ અને કરણ જૌહર- બંને પાસે 50-50 ટકા હિસ્સો હશે.

પૂનાવાલાએ આ મૂડીરોકાણથી ધર્માની વેલ્યુએશન રૂ. 2000 કરોડ આંકી હતી. પૂનાવાલાએ કહ્યું હતું કે અમને આશા છે કે અમે ધર્માને આગળ વધુ વિકસિત કરીશું. જૌહરે આ મૂડીરોકાણ અંગે કહ્યું હતું કે આ ભાગીદારી અમારી દૂરંદેશી વેપારની વ્યૂહરચના દર્શાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ બેનરની હિસ્સેદારી અંગે દાવો કરવામાં આવી રહ્યો હતો કે ધર્મા પ્રોડક્શને તેના 50 ટકા શેર વેચી દીધા છે, જે અદાર પૂનાવાલાએ ખરીદ્યા છે.

કરણ જોહર લાંબા સમયથી ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ ઘણી શાનદાર ફિલ્મોનું નિર્માણ કરી રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ જિગરા આ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી છે. હવે તેના શેર વેચવાના સમાચાર સામે આવ્યા છે. ખરેખર, સીરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક અદાર પૂનાવાલાએ રૂ. 1000 કરોડના સોદામાં ધર્મા પ્રોડક્શનના અડધા શેર ખરીદ્યા છે. આ એ જ વ્યક્તિ છે જેની કંપની હેઠળ કોવિડ રસી બનાવવામાં આવી હતી.

કરણ જોહરના પિતા યશ જોહર પણ ફિલ્મઉદ્યોગના દિગ્ગજ નિર્માતા હતા. તેમણે વર્ષ 1976માં ધર્મ પ્રોડક્શનની સ્થાપના કરી હતી. કરણે ફિલ્મ નિર્માણની વારસાગત કળા પણ ચાલુ રાખી અને આ બેનર હેઠળ ઘણી સફળ ફિલ્મો બનાવી.