મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કથિત આત્મહત્યા કેસમાં કેફી દ્રવ્યોના ષડયંત્રના એન્ગલની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ના અધિકારીઓએ સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રીયા ચક્રવર્તીની આજે ધરપકડ કરી છે.
અધિકારીઓએ છેલ્લા 3 દિવસ સુધી પૂછપરછ કર્યા બાદ રીયાની આજે બપોરે ધરપકડ કરી હતી.
સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ પ્રતિબંધિત ડ્રગ્સ લેવાને કારણે થયું હોવાની શંકાને કારણે NCBના અધિકારીઓએ ગઈ કાલે છ કલાક સુધી રીયાની પૂછપરછ કરી હતી અને એને આજે સવારે પણ દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તાર સ્થિત કાર્યાલયમાં વધુ પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું. રીયા આજે આવી પહોંચી હતી અને ત્રણ કલાકથી પણ વધારે સમય સુધી એની વધારે પૂછપરછ કરાયા બાદ એની ધરપકડ કરવામાં આવી હતી. એ હાલ NCBની કસ્ટડીમાં છે. સાંજે 4.30 વાગ્યે રીયાની મેડિકલ જાંચ કરવામાં આવનાર હતી.
સુશાંત સિંહ રાજપૂત ભેદી મૃત્યુ કેસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.
NCBના અધિકારીઓ આ કેસના સંબંધમાં રીયાનાં નાના ભાઈ શોવિક ચક્રવર્તીની પણ ધરપકડ કરી ચૂક્યા છે. બંનેેની પૂછપરછમાં તપાસનીશ અધિકારીઓને મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે.
કહેવાય છે કે બોલીવૂડના 25 જેટલા કલાકારો NCBની નજરમાં આવ્યા છે. NCBએ એ માટે એક ડોઝિયર તૈયાર કર્યું છે. હવે અન્ય કલાકારોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે એવી ધારણા છે.
ડ્રગ્સના સેવન અને ખરીદી-વેચાણમાં બોલીવૂડના અનેક કલાકારો સંડોવાયેલા છે એવું રીયા અને શોવિકે NCBના અધિકારીઓને પૂછપરછ દરમિયાન જણાવ્યું હોવાનું કહેવાય છે. જ્યાં ડ્રગ્સ લેવામાં આવી હતી એ બોલીવૂડની પાર્ટીઓ વિશેની પણ વિગત રીયાએ આપી છે.
એનસીબી તપાસનીશ અધિકારીઓએ આ કેસના સંબંધમાં સુશાંતના ઘરના સ્ટાફના બે સભ્યો – સેમ્યુઅલ મિરાન્ડા અને દિપેશ સાવંતને પણ કસ્ટડીમાં લીધા છે.
સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)સ્થિત એનાં નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં એમ જણાવ્યું હતું કે સુશાંતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પરંતુ સુશાંતની હત્યા કરવામાં આવી હોવાની શંકાને પગલે અને સુશાંતના પરિવારજનોની વિનંતીને પગલે કેન્દ્ર સરકારે આ કેસની તપાસ મુંબઈ પોલીસના હાથમાંથી લઈને સીબીઆઈને હવાલે કરી દીધી છે. એ તપાસ દરમિયાન જ કેફી દ્રવ્યોના ષડયંત્રનો મામલો પણ અધિકારીઓના ધ્યાનમાં આવ્યો છે.