મુંબઈઃ હમાસ આતંકવાદીઓના ભયાનક રોકેટ હુમલાઓને પગલે ઈઝરાયલ અને આતંકવાદીઓ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલમાં ફસાઈ ગયેલી બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા સુરક્ષિત રીતે આજે બપોરે બે વાગ્યે ભારત પહોંચી ગઈ છે.
મુંબઈમાં નુસરતની પ્રચારક ટીમની સદસ્ય સંચિતા ત્રિવેદીએ કહ્યું કે, નુસરત ઈઝરાયલમાં હાઈફા ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ગઈ હતી. શનિવારે બપોર પછી નુસરતનો સંપર્ક થઈ શક્યો નહોતો. આખરે દૂતાવાસની મદદથી અમે નુસરતનો સંપર્ક મેળવી શક્યા હતા. ઈઝરાયલમાંથી એને ભારતની ડાઈરેક્ટ ફ્લાઈટ મળી હતી. ભારતીય દૂતાવાસની મદદથી નુસરત સુરક્ષિત રીતે સ્વદેશ પાછી ફરી શકી છે.
અગાઉના અહેવાલમાં નુસરતની ટીમ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, નુસરત સાથે હાલ કોઈ સંપર્ક થઈ શક્યો નથી. છેલ્લે એની સાથે શનિવારે બપોરે 12.30 વાગ્યે સંપર્ક થયો હતો. ત્યારે એણે કહ્યું હતું કે એ કોઈક બેઝમેન્ટમાં સુરક્ષિત છે. એણે વધુ વિગતો જણાવી નહોતી. પરંતુ, એ પછી તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. અમે તેને સુરક્ષિત રીતે ભારત લાવવાના પ્રયાસોમાં છીએ અને આશા રાખીએ છીએ કે એ સુરક્ષિત રીતે દેશમાં પાછી આવી જાય.
ઉલ્લેખનીય છે કે, હમાસ આતંકવાદીઓએ પડોશના ગાઝા સ્ટ્રીપમાંથી ઈઝરાયલમાં 5,000થી વધારે રોકેટનો મારો ચલાવતાં 300 જેટલા ઈઝરાયલી નાગરિકો માર્યા ગયા છે. તેનાથી ભડકી ગયેલા ઈઝરાયલે ગાઝા પટ્ટાવિસ્તારમાં હમાસના અડ્ડાઓ પર વળતો હુમલો શરૂ કર્યો છે જેમાં 230 જેટલા પેલેસ્ટીનિયન માર્યા ગયા છે. ઈઝરાયલ સરકારે ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનવાસીઓને અપીલ સાથે ચેતવણી આપી દીધી છે કે તેઓ તાત્કાલિક ગાઝા છોડીને જતા રહે, કારણ કે અમે હમાસના અડ્ડાઓ પર જોરદાર કાર્યવાહી કરવાના છીએ. હમાસીઓ ગાઝામાં જ્યાં જ્યાં છુપાયા હશે તે ભાગોને અમે હવાઈ હુમલા કરીને નેસ્તનાબૂદ કરી દેવાના છીએ.