રાંચીઃ દક્ષિણી ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત હાલ ઝારખંડના પાટનગર શહેર રાંચીમાં બે દિવસના આધ્યાત્મિક પ્રવાસે આવ્યા છે. એમણે ગઈ કાલે યોગદા સત્સંગ આશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાં થોડીક વાર ધ્યાનમાં પણ બેઠા હતા. તેઓ આશ્રમના વરિષ્ઠ સાધુ-સંન્યાસીઓને પણ મળ્યા હતા.
રજનીકાંત ગુરુ પરમહંસ યોગાનંદમાં ઊંડી આસ્થા ધરાવે છે, જેમણે રાંચીમાં યોગદા આશ્રમની સ્થાપના કરી હતી.
રજનીકાંતે એમના આ પ્રવાસને અત્યંત ગોપનીય રાખવામાં આવ્યો હતો. તેઓ કોઈ મીડિયાકર્મીને મળ્યા નહોતા. યોગદા આશ્રમ ઉપરાંત તેઓ રામગઢસ્થિત છિન્નમસ્તિકા મંદિરમાં પણ ગયા હતા અને ત્યાં એમણે પૂજા-અર્ચના કરી હતી. રજનીકાંતની તામિલ ફિલ્મ ‘જેલર’ હાલમાં જ રિલીઝ થઈ છે અને તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.
