કોલકાતાઃ બોલીવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટરને છાતીમાં દુખાવો અને બેચેની મહેસૂસ થતી હતી. ત્યાર બાદ તેમને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેન્સ તેના ઠીક થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે. શનિવારે સવારે અચાનક તેમને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની સારવાર કરવામાં આવી રહી છે. મિથુનને હાલમાં જ પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મ ભૂષણ મળતાં તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું સૌનો દિલથી આભાર માનું છું. મેં ક્યારેય મારા માટે કશું માગ્યું નથી.વગર માગે કંઈક મળવાની ખુશી વધુ હોય છે. આ બહુ અદભુત અહેસાસ છે. મને બહુ સારું લાગી રહ્યું છે. આટલો પ્રેમ અને સન્માન આપવા માટે આપ સૌનો આભાર. હું આ એવોર્ડ મારા ફેન્સને ડેડિકેટ કરી રહ્યો છું. આ એવોર્ડ વિશ્વના ફેન્સ માટે છે, જેમણે મને નિઃસ્વાર્થ પ્રેમ આપ્યો છે. મારો આ એવોર્ડ શુભચિંતકોને જાય છે.
વર્ષ 2023માં મિથુન સુમન ઘોષની સુપરહિટ બંગાળી ફિલ્મ ‘કાબુલીવાલા’માં જોવા મળ્યા હતા. વર્ષ 2022માં તેમણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં નિવૃત્ત IAS ની ભૂમિકા ભજવવા માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.