મુંબઈઃ બોલીવૂડ એક્ટર અને ડિરેક્ટર દીપક તિજોરીએ રૂ. 2.6 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. એક્ટરે મુંબઈ પોલીસને પરિયાદ કરતાં સહ-નિર્માતા મોહન નડાર પર આરોપ લગાવ્યો હતો કે ફિલ્મના લોકેશનને નામે તેમની સાથે છેતરપિંડી કરી છે. મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં 15 માર્ચે સહ-નિર્માતા મોહન નડારની સામે કેસ નોંધ્યો છે, જે એક થ્રિલર ફિલ્મને પ્રોડ્યુસ કરવા માટે તેમની સાથે સામેલ થયા હતા. પોલીસે એક્ટરના નિવેદનને આધારે મોહન ગોપાલ નડારની સામે IPCની કલમ 420 અને 406 હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.
એક્ટરે પોલીસને જણાવ્યું હતું કે નડારે લંડનમાં શૂટ લોકેશન માટે ઉપયોગ કરવાને બહાને તેમના નાણાં લીધાં હતાં, જે તેમણે હજી સુધી પરત નથી આપ્યાં. અંબોલી પોલીસના વરિષ્ઠ બંસોડે પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ એક્ટરે આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2019માં ટિપ્સી નામની ફિલ્મ માટે તેમણએ અને નડારે એક કોન્ટ્રેક્ટ પર હસ્તાક્ષર કર્યો હતો.
નડારે એ દરમ્યાન એક્ટર પાસેથી નાણાં લીધાં હતાં, જેને પરત માગતાં તેમણે એક્ટરને એક પછી એક ચેક તો આપ્યા હતા, પણ એ એ ચેક બાઉન્સ થઈ ગયા છે. એક્ટરના જણાવ્યા મુજબ તેમના આપેલાં નાણાં અત્યાર સુધી પરત નથી આપ્યા. હવે પોલીસ એક્ટરના નિવેદનની તપાસ કરી રહી છે.