મુંબઈઃ બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એમનાં લગ્ન પહેલા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતાં હતાં. ઐશ્વર્યા રાયે તો અનેક હિટ ફિલ્મો આપી હતી. તો અભિષેકની પણ ફિલ્મો રિલીઝ થઈ રહી હતી. અભિષેક અને ઐશ્વર્યા બંને પહેલા ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ ફિલ્મમાં સાથે ચમક્યાં હતા અને બાદમાં બંન્ને સારા દોસ્ત બની ગયાં હતાં. ત્યારબાદ બંને રિલેશનશિપમાં આવ્યાં અને આખરે લગ્નના બંધને બંધાઈ ગયા. એપ્રિલ, 2007માં અભિષેકના મુંબઈના જુહૂ સ્થિત બંગલામાં તેનાં અને ઐશ્વર્યાનો લગ્ન સમારંભ યોજાયો હતો. આ બંન્ને વચ્ચેની ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રી ઉપરાંત અભિષેક અને ઐશ્વર્યા બન્નેએ ઘણી વાર એમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી વિશે પણ વાતો કરી છે.
અભિષેકે જણાવ્યું કે, ‘અમારા બંને વચ્ચે સારી વાત છે એ છે કે અમે બંને અમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને અલગ રાખીએ છીએ. અમે ક્યારેય માત્ર સાથે દેખાવા માટે ફિલ્મો સાઈન કરી નથી.’
બંને જણ અત્યાર સુધીમાં ‘ગુરુ’, ‘ધૂમ 2’, ‘ઉમરાવ જાન’, ‘કુછ ના કહો’ અને ‘રાવન’માં સાથે કામ કરી ચૂક્યાં છે. બંને જણે સાથે કામ ન કર્યાંને 13 વર્ષ વીતી ચૂક્યા છે. પ્રશંસકો બંનેને ફરી રૂપેરી પડદા પર જોવા આતુર છે. આ વિશેના એક સવાલના જવાબમાં અભિષેકે કહ્યું કે, ‘માત્ર સાથે ચમકવા ખાતર જ અમે ક્યારેય કોઈ ફિલ્મ સાઈન નહીં કરીએ. માત્ર રચનાત્મક હોય અને દરેક કલાકારની જરૂરિયાતને સંતોષી શકે એમ હોય તેવી જ ફિલ્મમાં કામ કરવાનું પસંદ કરીશું. વિષય કેવો છે એની પર બધું નિર્ભર હશે.’
અભિષેકની નવી ઓનલાઈન સિરીઝ આવી રહી છે ‘બ્રીથ ઈનટૂ ધ શેડો’, જે આવતા શુક્રવારે રિલીઝ થવાની છે. એમાં તેની સાથે અમિત સાધ અને નિત્યા મેનન છે. તે ઉપરાંત ‘ધ બિગ બુલ’ અને ‘લૂડો’ ફિલ્મમાં પણ એ જોવા મળશે.