રણવીરની ’83’, આમિરની ‘લાલસિંહ ચઢ્ઢા’ની નવી રિલીઝ-તારીખ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેર નબળી પડી ગઈ છે અને ત્રીજી લહેરનો સંકેત ન હોવાથી રાજ્યમાં 22 ઓક્ટોબર, 2021 બાદ થિયેટરો અને ઓડિટોરિયમો ફરી શરૂ કરી શકાશે એવી રાજ્ય સરકારે જાહેરાત કરતાં જ બે મોટી હિન્દી ફિલ્મોની રિલીઝની નવી તારીખ જાહેર કરાઈ છે. રણવીરસિંહની નવી હિન્દી ફિલ્મ ’83’ અને આમિર ખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મની નવી રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. રણવીર અને એની પત્ની દીપિકા પદુકોણ અભિનીત ક્રિકેટ વિષય પર આધારિત ’83’ ફિલ્મ આ વર્ષના ડિસેમ્બરમાં રિલીઝ કરાશે જ્યારે આમિર અને કરીના કપૂર-ખાન અભિનીત ‘લાલસિંહ ચઢ્ઢા’ આવતા વર્ષના ફેબ્રુઆરીમાં થિયેટરોમાં રિલીઝ કરાશે. આ બંને ફિલ્મ જોવા ફિલ્મરસિયાઓ આતુર બન્યાં છે.

‘લાલસિંહ ચઢ્ઢા’ને અગાઉ 2021ના નાતાલ તહેવાર વખતે રિલીઝ કરવાનું નિર્માતાઓએ નક્કી કર્યું હતું, પરંતુ હવે તેમણે તારીખને પાછળ ધકેલી છે. આમિર ખાન પ્રોડક્શન્સ કંપનીએ એક નિવેદનમાં જાહેરાત કરી છે કે, ‘રોગચાળાને કારણે થયેલા અનેક પ્રકારના વિલંબને કારણે અમે અમારી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ નાતાલમાં રિલીઝ કરી શકીએ એમ નથી. અમે એને હવે 2022ના વેલેન્ટાઈન્સ ડેના દિવસે રિલીઝ કરીશું.’

’83’ ફિલ્મ કબીર ખાને બનાવી છે. તે 1983માં કપિલ દેવના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડમાં પહેલી જ વાર હાંસલ કરેલા ઐતિહાસિક વર્લ્ડ કપ વિજય પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહ બન્યો છે કે કપિલ દેવ અને દીપિકા બની છે કપિલ દેવની પત્ની રોમી. અક્ષય કુમાર અભિનીત ‘સૂર્યવંશી’ ફિલ્મ આ વર્ષના દિવાળી પર રિલીઝ કરવાનું નિર્માતાઓએ નક્કી કર્યું છે.