જેમ્સ-બોન્ડના પાત્રમાં મહિલા ન જામેઃ ડેનિયલ ક્રેગ

ન્યૂયોર્કઃ ‘નો ટાઈમ ટુ ડાઈ’ ફિલ્મમાં છેલ્લી વાર સીક્રેટ એજન્ટ જેમ્સ બોન્ડનું પાત્ર ભજવ્યા બાદ આ પાત્રને અભિનેતા ડેનિયલ ક્રેગ ગુડબાય કહેવાનો છે. તે 2006ની સાલથી આ પાત્ર ભજવી રહ્યો છે. એણે પાંચ ફિલ્મમાં જેમ્સ બોન્ડ તરીકેનો રોલ ભજવ્યો છે. તેની આખરી ફિલ્મ આવતા મંગળવારે રિલીઝ થવાની છે. રેડિયો ટાઈમ્સને આપેલી એક મુલાકાતમાં ડેનિયલ ક્રેગે ટકોર કરી કે, ‘મહિલાઓને ભજવવા માટે આની કરતાં પણ વધારે સારી ભૂમિકાઓ બનાવી શકાય છે. જેમ્સ બોન્ડનું પાત્ર કોઈ મહિલા પાસે શા માટે ભજવાવું જોઈએ? એમને માટે જેમ્સ બોન્ડ જેટલા જ સારા બીજા ઘણાં રોલ હોય છે.’

ઉલ્લેખનીય છે કે, ‘નો ટાઈમ ટુ ડાઈ’ની બ્રિટિશ અભિનેત્રી લશાના લિન્ચ હવેથી સ્પેશિયલ એજન્ટ ‘બોન્ડ-007’ની ભૂમિકા ભજવવાની છે. લશાનાએ ગયા વર્ષે જ એ વાતને પુષ્ટિ આપી હતી કે પોતે બોન્ડ-007 બનવાની છે. ‘બોન્ડનું પાત્ર પુરુષ કે મહિલા કોઈ પણ ભજવી શકે છે. એ પાત્ર કોઈ શ્વેત, અશ્વેત, એશિયન કે મિક્સ્ડ વર્ણની વ્યક્તિ પણ ભજવી શકે છે. એ યુવા કે ઘરડી વ્યક્તિ પણ ભજવી શકે છે. અરે હું તો માનું છું કે બે વર્ષનું બાળક પણ બોન્ડનું પાત્ર ભજવે તો દરેક જણ એ ફિલ્મ જોવા થિયેટરમાં જશે, એ જોવા કે બે વર્ષનો ટાબરિયો શું કમાલ કરે છે, ખરું કે નહીં?’ એમ તેણે સામું પૂછ્યું હતું. લશાના રશીદા લિન્ચ જમૈકન-મૂળની છે. તેનો જન્મ લંડનમાં થયો હતો.