મુંબઈઃ કેરળમાં 2018ની સાલમાં આવેલા ભયાનક પૂર, એને કારણે થયેલી જાનહાનિ અને રાજ્યની બરબાદી તથા લોકોને ભોગવવી પડેલી હાડમારી પર આધારિત મલયાલમ ફિલ્મ ‘2018-એવરીવન ઈઝ અ હિરો’ને આવતા વર્ષે નિર્ધારિત ઓસ્કર એવોર્ડ કાર્યક્રમ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આવતા વર્ષનો 96મો એકેડેમી એવોર્ડ્સ વિતરણ સમારંભ 10 માર્ચે લોસ એન્જેલિસના ડોલ્બી થિયેટરમાં યોજાશે. ‘2018-એવરીવન ઈઝ અ હિરો’ ફિલ્મના દિગ્દર્શક છે જ્યૂડ એન્થની જોસેફ. ફિલ્મમાં ટોવિનો થોમસ, કુન્ચાકો બોબન જેવા કલાકારો છે.
‘2018-એવરીવન ઈઝ અ હિરો’ ફિલ્મની કરાયેલી પસંદગીની જાણકારી જાણીતા દિગ્દર્શક ગિરીશ કાસરવલ્લીએ આજે પત્રકાર પરિષદમાં આપી હતી. કાસરવલ્લી ઓસ્કર માટે ભારતીય ફિલ્મની પસંદગી સમિતિના અધ્યક્ષ છે. એમણે કહ્યું કે, આ ફિલ્મ દુનિયા આખીને નડી રહેલી ક્લાઈમેટ ચેન્જની સમસ્યાને અત્યંત સુસંગત છે તેથી એની પસંદગી ભારતીય એન્ટ્રી તરીકે કરવામાં આવી છે. પસંદગી સમિતિમાં 16-સભ્યો છે. એમણે પસંદગી કરતા પહેલાં 22 જેટલી ફિલ્મો જોઈ હતી, જેમાં ‘2018-એવરીવન ઈઝ અ હિરો’ ઉપરાંત ધ કેરાલા સ્ટોરી, રોકી ઔર રાની કી પ્રેમકહાની, મિસીસ ચેટરજી વર્સીસ નોર્વે (બધી હિન્દી), બાલાગામ (તેલુગુ), વાળવી અને બાપલ્યોક (મરાઠી), ઓગસ્ટ 16, 1947 (તામિલ)નો સમાવેશ થાય છે.