‘દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ માટે વહીદા રેહમાનની પસંદગી

નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી વહીદા રેહમાનની પસંદગી આ વર્ષના ‘દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ માટે કરવામાં આવી છે. ભારતીય સિનેમાને આપેલા અપ્રતિમ યોગદાનની કદરરૂપે વહીદાને આ એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીદા રેહમાન ‘પ્યાસા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘કાગઝ કે ફૂલ’, ‘ગાઈડ’ સહિત અનેક ફિલ્મોમાં કરેલા અભિનય માટે લોકપ્રિય બન્યાં છે.

સાત દાયકા લાંબી કારકિર્દીમાં વહીદાજીએ અસંખ્ય ફિલ્મોમાં વિવિધ પ્રકારની યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. ‘રેશમા ઔર શેરા’ ફિલ્મમાં એમણે ભજવેલી કબીલા જાતિની મહિલાની ભૂમિકા માટે એમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારત સરકાર આ પૂર્વે વહીદાજીને ‘પદ્મશ્રી’ અને ‘પદ્મભૂષણ’ ખિતાબોથી સમ્માનિત કરી ચૂકી છે.