મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથેની તેમની મુલાકાત પર થઈ રહેલી રાજકીય ચર્ચાઓનો કડક જવાબ આપ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં ઠાકરેએ પ્રશ્ન કર્યો હતો કે દરેક મુલાકાતમાં રાજકારણ શોધવું કેમ જરૂરી છે? તેમણે સ્પષ્ટ કર્યું કે હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને જો રાજ્યના હિતમાં સકારાત્મક કામ કરવા હોય તો નેતાઓનું એકબીજાને મળવું સ્વાભાવિક છે.

ઠાકરેએ ઉમેર્યું કે “વિકાસનો અર્થ માત્ર રસ્તા બનાવવા નથી, પરંતુ શહેરોમાં વધતી જતી ભીડ અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવો પણ છે.” તેમણે મુંબઈ જેવા શહેરોમાં પાર્કિંગની અવ્યવસ્થા અને વસ્તીના વધારા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે “બિલ્ડિંગોમાં સુવિધા હોવા છતાં લોકો રસ્તા પર ગાડીઓ ઉભી રાખે છે, જેના કારણે શિસ્ત જળવાતી નથી.”
વધુમાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે શહેરોમાં આવતા લોકો પાછા નથી જતા અને આ અંગે તેમણે મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણી સાથે પણ ચર્ચા કરી છે. તેમણે સિસ્ટમ પર પ્રહાર કરતા કહ્યું કે “જ્યાં સુધી કડક દંડ નહીં વસૂલવામાં આવે ત્યાં સુધી સ્થિતિ સુધરશે નહીં.” સરકારી વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે અત્યારે ‘વાડ જ ચીભડાં ગળે’ તેવી સ્થિતિ છે, કારણ કે આપણા જ તંત્રના લોકો ગેરકાયદે રહેતા લોકોને કાગળિયા કરી આપે છે.
ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે કોઈ પણ શહેરમાં કેટલા લોકો રહી શકે તેની મર્યાદા નક્કી થાય. વિપક્ષના નેતા તરીકે રાજ્યના શહેરોને બરબાદ થતા રોકવા અને જનતાના પ્રશ્નો ઉઠાવવા એ તેમની જવાબદારી છે અને માત્ર અંતર રાખવાથી કોઈ સમસ્યા ઉકેલાશે નહીં.


