સુરત: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ પ્રતિબંધ અધિનિયમ (PMLA) હેઠળ કાર્યવાહી કરતાં મકબૂલ અબ્દુલ રહમાન ડોક્ટર અને તેના પરિવારની કુલ રૂ. 2.13 કરોડની ત્રણ અચલ સંપત્તિને હંગામી રીતે જપ્ત કરી છે. આ પગલું રૂ. 100 કરોડથી વધુની સાયબર છેતરપિંડીમાં થઇ રહેલી મની લોન્ડરિંગની તપાસનો એક ભાગ છે.
સુરત પોલીસની SOGની તપાસને આધારે EDએ ખુલાસો કર્યો હતો કે મકબૂલ ડોક્ટર, તેના પુત્રો કાશિફ અને બસ્સામ સાથે અન્ય સાથીઓ મળીને અનેક પ્રકારની સાયબર છેતરપિંડી કરતા હતા, તેમાં ડિજિટલ એરેસ્ટ બતાવી લોકોને ડરાવવું, ફોરેક્સ ટ્રેડિંગમાં પૈસા બમણા કરવાની લાલચ આપવી તેમ જ સુપ્રીમ કોર્ટ, ED, પોલીસ જેવા વિભાગોને નામે ફેક નોટિસ મોકલી બ્લેકમેલ કરવાની ઘટનાઓ સામેલ હતી.
આ છેતરપિંડીથી મળેલા પૈસાને ધોળા કરવા માટે તેઓ પોતાના કર્મચારીઓ અથવા ભાડેથી રાખેલા લોકોને નામે અનેક બેંક એકાઉન્ટ ખોલાવતા અને તે એકાઉન્ટને પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડથી ચલાવતા. આ એકાઉન્ટમાં આવેલા પૈસા તેઓ હવાલા મારફત મોકલતા, જ્યાં હવાલા ઓપરેટર રોકડ રકમ લઈને તેને ક્રિપ્ટોકરન્સી (USDT)માં રૂપાંતરિત કરતા. આ કેસમાં મકબૂલ ડોક્ટર, તેનો પુત્ર કાશિફ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને ઓમ રાજેન્દ્ર પંડ્યાને EDએ ઓક્ટોબરમાં જ PMLA હેઠળ ધરપકડ કરી લીધી છે. ત્રણ સંપત્તિઓને જપ્ત કરવામાં આવી છે અને રૂ. 2.13 કરોડની મિલકત સીલ કરી દેવામાં આવી છે.
હાલમાં તપાસ ચાલુ છે અને વધુ લોકો આ ઠગાઈના જાળમાં સામેલ છે કે કેમ તે જાણવા માટે પણ તપાસ કરી રહી છે. સાથે જ સંકળાયેલા અન્ય એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનની પણ તપાસ ચાલુ છે.


