નવી દિલ્હીઃ EDએ FEMA 1999ની કલમ 16 (3) હેઠળ મિન્ત્રા ડિઝાઇન પ્રા. લિ., તેની સહાયક કંપનીઓ અને તેમના ડિરેક્ટરો સામે લગભગ રૂ.. 1654.35 કરોડના વિદેશી મૂડીના ખોટા ઉપયોગના મામલે ફરિયાદ નોંધાવી છે.
આક્ષેપ શું છે?
EDના તપાસ અનુસાર મિંત્રા અને તેની સંબંધિત કંપનીઓએ મલ્ટી-બ્રાન્ડ રિટેલ ટ્રેડ (MBRT)માં વ્યવસાય કર્યો હોવા છતાં તેને ‘હોલસેલ કેશ એન્ડ કેરી‘ તરીકે દર્શાવ્યો અને વિદેશી રોકાણની નીતિનું ઉલ્લંઘન કર્યું. મિંત્રાએ વિદેશી રોકાણકારો પાસેથી રૂ. 1654 કરોડ કરતાં વધુની મૂડી હોલસેલ વ્યવસાયને નામે લીધી હતી, પરંતુ હકીકતમાં તે રિટેલ વેચાણમાં વાપરવામાં આવી હતી.
કાયદાનો ભંગ?
આ માલ M/s. વેક્ટર ઈકોમર્સ પ્રા. લિ. નામની સંબંધિત કંપની મારફતે છેલ્લા ગ્રાહક સુધી પહોંચાડવામાં આવ્યો હતો. બંને કંપનીઓ એક જ જૂથનો ભાગ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મિંત્રાએ B2B મોડલ બતાવીને વિદેશી મૂડી મેળવી, જ્યારે B2C એટલે કે રિટેલ વેચાણ કરતી હતી.
આ આધારે FEMAની કલમ 6(3)(b) અને 2010ની સંયુક્ત FDI નીતિના ઉલ્લંઘનના આધારે EDએ FEMAની કલમ 16(3) હેઠળ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
કૌભાંડ કેવી રીતે થયું?
મિંત્રા અને વેક્ટર ઈકોમર્સ પ્રા. લિ. એક જ જૂથની કંપનીઓ છે. એક કંપનીએ બીજી કંપનીને માલ મોકલીને B2B વ્યવહાર દર્શાવ્યો અને ત્યાર બાદ બીજી કંપનીએ એ જ માલ સામાન્ય ગ્રાહકોને વેચીને તેને B2C બનાવી દીધો. ઉદ્દેશ એ હતો કે કાયદાકીય રીતે હોલસેલ વ્યવસાય બતાવવો, જ્યારે હકીકતમાં રિટેલ વેચાણ કરવામાં આવ્યું.
