પોરબંદરમાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદથી ચોતરફ પાણી-પાણી

રાજકોટ: સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ વચ્ચે ગુરૂવાર રાત્રે અને શુક્રવાર સવારથી અતિ ભારે વરસાદથી પોરબંદર, વંથલી, કેશોદ અને માણાવદર પંથકમાં મેઘતાંડવથી ચારે બાજુ પાણી ફરી વળ્યા છે અને ગામોમાં નદીઓ વહી રહી છે. વાહનો અને પશુઓ નદી અને વોંકળામાં ફસાયા હોવાથી રેસ્કયું કરવામાં આવી રહ્યા છે. લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.પોરબંદર પંથકમાં છેલ્લા 22 કલાકમાં 17 થી 18 ઇંચ જેટલો વરસાદ પડતાં જળ  બંબાકારની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. ગામડાઓ અને નગરોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક ગામોમાં પાણી ઘુસી જતાં લોક9 જીવ બચાવવા અગાસીઓ પર ચડી ગયા ના અહેવાલો મળ્યા છે.પોરબંદર પંથકમાં અતિ ભારે વરસાદથી કેટલાક ભાગોમાં રેલવે ટ્રેક ધોવાયો છે. રેલવે તંત્રએ કેટલીક ટ્રેનો રદ કરી છે અને કેટલીક ટ્રેનો રિશડ્યુલ કરી છે. પોરબંદર અને કાના લુસ વચ્ચે ટ્રેકને નુકશાન થયું છે.કેશોદમાં શુક્રવારે સવારે પણ અનરાધાર 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. આવી જ સ્થિતિ વંથલી, માણાવદર અને જૂનાગઢ પંથકના ગામડાઓની છે. વેરાવળમાં આજે સવારથી વરસાદે થોડો વિરામ લીધો છે. વહીવટી તંત્રે પોરબંદર અને કેશોદ પંથકમાં રેસ્ક્યુ ટીમો મોકલી છે અને લોકોને સાવચેત કર્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટામાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડયાના અહેવાલો છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)