ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી કડક ચેતવણી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને કડક ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન કંઈ કરવાની હિંમત કરશે તો પરિણામ એવું આવશે જે તેણે પહેલાં ક્યારેય જોયું કે વિચાર્યું નહીં હોય. ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઈઝરાયલે તેહરાનમાં ઈરાનના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું. ઈઝરાયલે શનિવારે ઈરાનના બુશેહર પ્રાંતમાં સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ સાથે જોડાયેલા કુદરતી ગેસ પ્રોસેસિંગ યુનિટ પર પણ હુમલો કર્યો હતો.

ઈરાન પર ઈઝરાયલના હુમલામાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી એમ કહીને ટ્રમ્પે દાવો કર્યો હતો કે તે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સરળતાથી સોદો કરી શકે છે અને આ સંઘર્ષને રોકી શકે છે. રવિવારે ઈરાને તેહરાન અને વોશિંગ્ટન ડીસી વચ્ચે છઠ્ઠા રાઉન્ડની પરમાણુ વાટાઘાટો રદ કરી હતી.

ઈઝરાયલે શુક્રવારે ઈરાનમાં અનેક સ્થળોએ હુમલો કર્યો. તેમાં અનેક પરમાણુ સ્થળોનો સમાવેશ થાય છે. આનાથી પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો બીજો મોરચો ખુલ્યો. આ હવાઈ હુમલામાં 20 ટોચના ઈરાની કમાન્ડરો માર્યા ગયા. તેમાં સેના અને વાયુસેનાના વડાઓનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે સવારે ઇઝરાયલે 200 ફાઇટર જેટથી 6 ટાર્ગેટ પર હુમલો કર્યો. આ હુમલાઓમાં ઇરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

જવાબમાં, ઇરાને બપોરે ઇઝરાયલ સામે વળતો હુમલો કર્યો. ઇરાને 100 થી વધુ ડ્રોન ફાયર કર્યા. ઇઝરાયલી સેના એટલે કે IDFનો દાવો છે કે તેણે બધા ડ્રોનને તોડી પાડ્યા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી હતી કે તે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરે નહીંતર તેને મોટા હુમલાનો સામનો કરવો પડશે. ટ્રમ્પે કહ્યું કે બધું સમાપ્ત થાય તે પહેલાં ઇરાને આ કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ.