નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એ માગને તેઓ સ્વીકારશે નહીં, જેમાં તેમણે રશિયાથી તેલ ખરીદતા મુખ્ય દેશો, ભારત અને ચીન પર ભારે ટેરિફ લગાવવાનો આગ્રહ કર્યો હતો, એમ યુરોપિયન યુનિયન (EU) ના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે. EU એવુ કોઈ પગલું ભરવાનું વિચારી રહ્યું નથી, કારણ કે તે રશિયા પર દબાણ બનાવવા કરતાં અનેક અન્ય જોખમો ઊભા થાય એમ છે.
ટેરિફ અને આર્થિક પ્રતિબંધો – બંને અલગ બાબતો છે. ટેરિફ લગાવતાં પહેલાં લાંબી કાનૂની તપાસ કરવી પડે છે, જેમાં મહિનાઓ લાગી જાય છે. હજી સુધી ભારત કે ચીન પર સંભવિત ટેરિફ અંગે કોઈ ચર્ચા થઈ નથી. એ સિવાય યુરોપિયન યુનિયન ભારત સાથે એક મહત્વપૂર્ણ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે, જેને તે જોખમમાં મૂકવા માગતું નથી, એમ EUના સૂત્રોએ જણાવ્યું હતું.યુરોપિયન યુનિયન પહેલેથી જ રશિયા પર અનેક પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. તાજેતરમાં જુલાઈના પેકેજમાં EUએ બે ચીની બેન્કો અને એક મહત્વપૂર્ણ ભારતીય રિફાઇનરીને પણ પ્રતિબંધ યાદીમાં સામેલ કર્યા હતા. જોકે EU એ અત્યાર સુધી માત્ર રશિયા અને બેલારસનાં ખાતરો અને કૃષિ ઉત્પાદનો પર જ ટેરિફ લગાવ્યાં છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ કોઈ ખાસ સંસ્થા પર પ્રતિબંધ મૂકવાનું પસંદ કરે છે, જેથી જો તે સંસ્થા રશિયા સાથેનો વેપાર બંધ કરે તો તેને યાદીમાંથી હટાવી શકાય.
EUનું આગામી પગલું શું હશે?
યુરોપિયન યુનિયન ટૂંક સમયમાં પોતાના 19મા પ્રતિબંધ પેકેજમાં બે મધ્ય એશિયાઈ દેશોની બેન્કો સાથે સાથે કેટલીક ચીની રિફાઇનરીઓને પણ પ્રતિબંધિત કરવાની યોજના બનાવી રહ્યું છે.
