VIDEO: કેનેડાના ટોરોન્ટોમાં વિમાન અકસ્માત, એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાન ક્રેશ

કેનેડા: ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ નંબર 4819ને લેન્ડિંગ સમયે અકસ્માત નડ્યો હતો. આ ફ્લાઇટ મિનિયાપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરેન્ટ પિયર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જઇ રહી હતી. જો કે ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર લેન્ડિંગ સમયે અકસ્માતનો ભોગ બની હતી. વિમાનમાં 80 લોકો સવાર હતા, જેમાંથી 76 મુસાફરો અને 4 ચાલક દળના સભ્યો હતા. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, આ દુર્ઘટનામાં 18 લોકોને ઇજા પહોંચી છે.

કેનેડાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 65 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. જેના લીધે વિમાનને અકસ્માત નડ્યો હોવાનું અનુમાન છે. જો કે હજુ સુધી અકસ્માતનું ચોક્ક્સ કારણ જાણી શકાયું નથી. હાલમાં યુ.એસ. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટિ બોર્ડ મદદે પહોંચી ગયું છે. એક રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળ પર હાજર પેરામેડિકલ સ્ટાફે પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.