દિલ્હી ભૂકંપ પર PM મોદીની પોસ્ટ, શાંત રહેવા લોકોને કરી અપીલ

નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે દિલ્હી-NCRમાં આવેલા ભૂકંપ મામલે PM મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી. જેમાં તેમણેે લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, ‘દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “દિલ્હીમાં હમણાં જ એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા સુરક્ષિત રહે.”

સોમવારે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકાનો અનુભવ ઘણી સેકન્ડ્સ સુધી અનુભવાયો હતો. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી, તેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીની સપાટીથી 5 કિલોમીટર નીચે હતું. એટલા માટે જોરદાર ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ગર્જનાના અવાજો સંભળાયા હતા. હાલમાં, ક્યાંયથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.