ગાંધીનગર: શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા કરવાની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં પણ સહભાગી થઇ રહ્યા છે અને આ માટે રાજ્ય સરકાર તેમનું સન્માન પણ કરે છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના CRC કોરડિનેટર દીપક સુથારને સન્માનિત કર્યા છે.રાજ્ય શિક્ષણ મંત્રી દ્વારા જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સમગ્ર ગુજરાતના શિક્ષકોને સેવાકીય કામગીરી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત શિક્ષકોને પોતાની ફરજના સ્થળે કે આજુબાજુના વિસ્તારોમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાનું તેમજ આ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરવા જણાવવામાં આવ્યું હતું. ભૂતકાળમાં ખુલ્લા બોરવેલમાં નાના બાળકો પડી જવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવા કહેવામાં આવ્યું હતું.
જે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત કલસ્ટરના CRC દીપક સુથારે આ કલસ્ટરમાં આવેલ ૧૩ શાળાઓના ૨૧૨૯ વિદ્યાર્થીઓ, ૭૫ શિક્ષકો તેમજ વાલીઓને આ અભિયાનમાં જોડ્યા. દીપકભાઈએ પોતે જુદા-જુદા ગામમાં રૂબરૂ જઈને ૧૨ જેટલાં બોરને કોથળા કે લોખંડના ઢાંકણાંથી બંધ કર્યા. જેમાં તેમણે જરાવત ગામમાં 2, પથાવત ગામમાં 1, વાઘાવત ગામમાં 1, ક્લેસર ગામમાં 1, ઉમાજીની મુવાડી 1, સમડાવાળી મુવાડી 1, આંબડીયાની મુવાડી 1, ગોકળપુરા 2, ઉમેદપુરા 1 અને રણછોડપુરા ગામમાં 1 બોરવેલને બંધ કરવાની કામગીરી કરી છે.
આ સેવાકીય કાર્ય બદલ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષક દીપક સુથારને સન્માનિત કર્યા. સાથે જ વધુને વધુ નાગરિકોને પોતાના ક્લસ્ટરમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાના અભિયાનમાં જોડાવવા વિનંતી પણ કરી.