મહિલા શિક્ષણ અંગે દયાનિધિ મારનનું વિવાદાસ્પદ નિવેદન

ચેન્નઈ: ડીએમકે સાંસદ દયાનિધિ મારને એવો દાવો કરીને વિવાદ ઊભો કર્યો છે કે ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઘણી વખત દીકરીઓને ઘરે રહેવા અને ઘરકામ કરવા માટે કહેવામાં આવે છે. તેની સામે તામિલનાડુમાં દીકરીઓને શિક્ષણ મેળવવા અને કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.નોકરી પણ કરવા દેવામાં આવતી નથી.

ચેન્નઈના કાયદ-એ-મિલ્લત ગવર્નમેન્ટ કોલેજ ફોર વુમનમાં વિદ્યાર્થીનીઓને સંબોધતાં દયાનિધિ મારને રાજ્યમાં મહિલાઓના શિક્ષણમાં થયેલી પ્રગતિનું શ્રેય દ્રવિડ આંદોલન અને મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિનની સરકારની નીતિઓને આપ્યું. તેમણે કહ્યું હતું કે અમારી વિદ્યાર્થિનીઓએ ગર્વ અનુભવવો જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે તેઓ અભ્યાસ કરે.

તેમણે આગળ જણાવ્યું હતું કે જ્યાં કેટલાંક ઉત્તર રાજ્યોમાં દીકરીઓને બહાર કામ કરવા રોકવામાં આવે છે અને નોકરી કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી, ત્યાં તામિલનાડુ દીકરીઓના શિક્ષણને સંપૂર્ણ ટેકો આપે છે.

એમ.કે. સ્ટાલિનને શ્રેષ્ઠ મુખ્ય મંત્રી

મારને તામિલનાડુને ભારતના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાંનું એક ગણાવ્યું અને એમ.કે. સ્ટાલિનને “દેશના સૌથી સારા મુખ્ય મંત્રી” કહીને પ્રશંસા કરી હતી. તેમણે દ્રવિડ શાસન મોડેલ પર ભાર મૂકતાં કહ્યું હતું કે પેરિયારે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું અને સ્ટાલિન તે જ સિદ્ધાંતોનું અનુસરણ કરી રહ્યા છે.

900 વિદ્યાર્થીનીઓને લેપટોપનું વિતરણ

રાજ્યના ઉપ મુખ્ય મંત્રી ઉદયનિધિ સ્ટાલિને આજે ‘ઉલગમ ઉંગલ કૈયિલ’ યોજનાના અંતર્ગત કાયદ-એ-મિલ્લત ગવર્નમેન્ટ કોલેજની વિદ્યાર્થિનીઓને લેપટોપ્સનું વિતરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે તમને તમામ વિદ્યાર્થિનીઓને લેપટોપ આપીને મને ખૂબ આનંદ થાય છે. હું તમને નવા વર્ષ અને પોંગલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ઘણી વખત કહેવામાં આવે છે કે જ્યારે દીકરીઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે છે, ત્યારે તેઓ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.